ગાંધીનગરના આંગણે આગામી 31 માર્ચના રોજ એક ઐતિહાસિક અને ધાર્મિક પ્રસંગ યોજાવા જઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે એક અત્યાધુનિક અને ભવ્ય જૈન મ્યુઝિયમનું લોકાર્પણ કરવામાં આવશે. ભારતીય સંસ્કૃતિ, જૈન ધર્મ અને કલાનો અનોખો સંગમ ધરાવતું આ મ્યુઝિયમ પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.

95 હજાર ચોરસ ફૂટમાં રાણકપુર શૈલીનું નિર્માણ

આ મ્યુઝિયમની સૌથી મોટી વિશેષતા તેનું સ્થાપત્ય છે. અંદાજે 95 હજાર ચોરસ ફૂટના વિશાળ વિસ્તારમાં ફેલાયેલા આ મ્યુઝિયમના નિર્માણમાં વિશ્વપ્રસિદ્ધ 'રાણકપુર શૈલી'નું અનુસરણ કરવામાં આવ્યું છે. આરસપહાણ અને કાચના કલાત્મક ઉપયોગ દ્વારા તૈયાર થયેલું આ ભવન સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો છે. અનેક નિષ્ણાત એજન્સીઓએ સાથે મળીને આ ભવ્ય પ્રોજેક્ટને પૂર્ણ કર્યો છે.

પદ્મ સાગર સુરિશ્વરજી મહારાજનો અદ્ભુત સંગ્રહ

આ મ્યુઝિયમમાં જૈન આચાર્ય પદ્મ સાગર સુરિશ્વરજી મહારાજ દ્વારા તેમની દીર્ઘ સંયમ યાત્રા દરમિયાન એકત્રિત કરવામાં આવેલો અમૂલ્ય સંગ્રહ પ્રદર્શિત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, મહારાજ સાહેબે 2.5 લાખ કિમીની પદયાત્રા દરમિયાન ભારતીય સંસ્કૃતિ અને કલાને લગતી અનેક પ્રાચીન અને દુર્લભ સામગ્રીઓ એકઠી કરી હતી. આ સંગ્રહને વ્યવસ્થિત રીતે 7 જુદી-જુદી દીર્ઘાઓ (Galleries)માં વહેંચવામાં આવ્યો છે.

ઉદ્ઘાટન સમારોહ

31 માર્ચના રોજ યોજાનાર આ ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં વડાપ્રધાન મોદીની સાથે રાજ્યના મુખ્યમંત્રી અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. આ મ્યુઝિયમ આવનારી પેઢીને જૈન ધર્મના ત્યાગ, તપ અને ભારતીય સંસ્કૃતિના ભવ્ય વારસાથી પરિચિત કરાવશે.

આ પણ વાંચો: Vadodara: બીમારીથી કંટાળી SRP જવાનનો આપઘાત, પરિવાર બહાર ગયો ને ડ્રાઈવરએ ભર્યું અંતિમ પગલું