વધતા જતા ઈંધણના ભાવ અને પર્યાવરણની જાળવણીને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસ વિભાગે એક મહત્વપૂર્ણ અને પ્રશંસનીય નિર્ણય લીધો છે. રાજ્ય પોલીસ વડા ડૉ કે એલ એન રાવ દ્વારા હવે પોલીસ વિભાગમાં પેટ્રોલ અને ડીઝલની બચત કરવા માટે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત પોલીસના વાહનોનો બિનજરૂરી વપરાશ ઘટાડવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
આરોપીઓને કોર્ટમાં ઓનલાઈન રજૂ કરાશે
રાજ્ય પોલીસ વડાએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં સૂચના આપવામાં આવી છે કે, હવેથી કોર્ટની મોટાભાગની કાર્યવાહી ઓનલાઈન કરવાનો પ્રયાસ કરવામાં આવે. ખાસ કરીને જેલમાંથી આરોપીઓને કોર્ટમાં રૂબરૂ લઈ જવાને બદલે વીડિયો કોન્ફરન્સ દ્વારા રજૂ કરવામાં આવે, જેથી પોલીસ વાહનોના ઈંધણ અને સુરક્ષા વ્યવસ્થાના ખર્ચમાં ઘટાડો કરી શકાય.
