ગાંધીનગર જિલ્લાના સાંતેજ પોલીસ મથક વિસ્તારમાં પત્રકાર બનીને તોડબાજી કરતી એક ગેંગનો પર્દાફાશ થયો છે. ફરિયાદીને વારંવાર ધમકાવી લાખો રૂપિયાની માંગણી કરનાર મુખ્ય સૂત્રધારની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે તેના અન્ય બે સાગરીતો હજુ પોલીસ પકડથી દૂર છે.
તોડબાજી કરતી એક ગેંગનો પર્દાફાશ
મળતી માહિતી મુજબ, આરોપી અંકિત વ્યાસ અને તેના સાગરીતોએ ફરિયાદીને તે દેશી દારૂનો ધંધો કરતો હોવાનું કહીને પોલીસ કેસ કરવાની ધમકી આપી હતી. પત્રકાર તરીકેની ખોટી ઓળખ આપી આ ટોળકીએ ફરિયાદી પાસેથી ₹1,05,000 (એક લાખ પાંચ હજાર) ની માંગણી કરી હતી. ફરિયાદીને વારંવાર ફોન કરીને અને રૂબરૂ મળીને માનસિક ત્રાસ આપી આ રકમ પડાવવા માટે દબાણ કરવામાં આવતું હતું.
સાંતેજ પોલીસની કાર્યવાહી
ફરિયાદીએ આખરે હિંમત દાખવી સાંતેજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે છટકું ગોઠવી મુખ્ય આરોપી અંકિત વ્યાસની ધરપકડ કરી છે. તપાસમાં બહાર આવ્યું છે કે અંકિત વ્યાસ એક રીઢો ગુનેગાર છે અને તેના નામે અમદાવાદના વિવિધ પોલીસ સ્ટેશનોમાં પણ અનેક ગુના નોંધાયેલા છે.
વધુ બે આરોપીઓ ફરાર
આ તોડબાજીના ગુનામાં અંકિત વ્યાસની સાથે સંજય પાંડે અને મીનાંશુ દરજી નામના બે શખ્સો પણ સંડોવાયેલા છે. સાંતેજ પોલીસે આ બંને આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે અને તેમને ઝડપી પાડવા માટે અલગ-અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો: Dahod: યુવતી ભગાડવાની શંકાએ યુવકની હત્યા, રોષે ભરાયેલા ટોળાએ 8 ઘરોમાં કરી તોડફોડ