દાહોદ જિલ્લાના મડાવાવ ગામે ગઈકાલે રાત્રિ દરમિયાન યુવતી ભગાડવાના મામલે લોહીયાળ સંઘર્ષ સર્જાયો હતો. એક યુવકને મોતને ઘાટ ઉતાર્યા બાદ બે ગામના લોકો સામસામે આવી જતાં પરિસ્થિતિ ગંભીર બની હતી. રોષે ભરાયેલા લોકોએ ગામમાં મોટા પાયે તોડફોડ કરી લાખો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું છે.

યુવતી ભગાડવાના મામલે લોહીયાળ સંઘર્ષ

ડુંગરપુર ગામનો રહેવાસી વિજય ભાભોર પોતાની પત્નીને સાસરીમાં મૂકવા માટે મડાવાવ ગામે ગયો હતો. આ દરમિયાન, મડાવાવ ગામના કેટલાક લોકોએ વિજય પર યુવતી ભગાડવાનો આક્ષેપ મૂક્યો હતો. વિવાદ એટલો વકર્યો કે ઉશ્કેરાયેલા લોકોએ વિજયને ઢોર માર માર્યો હતો, જેના કારણે તેનું કરૂણ મોત નીપજ્યું હતું.

ગામમાં મોટા પાયે તોડફોડ કરી લાખો રૂપિયાનું નુકસાન

વિજયની હત્યાના સમાચાર ડુંગરપુર ગામે પહોંચતા જ ત્યાંના લોકોના ટોળા મડાવાવ ગામે ઉમટી પડ્યા હતા. ડુંગરપુરના ઉશ્કેરાયેલા લોકોએ મડાવાવ ગામમાં 7 થી 8 મકાનોમાં ભારે તોડફોડ કરી હતી. આ હિંસામાં7 થી 8 મોટરસાયકલ અને એક ફોર-વ્હીલરને નુકસાન પહોંચાડાયું.મકાનોના પતરા, ઘરવખરીનો સામાન અને દુકાનોમાં રહેલા ફ્રીઝ સહિતની ચીજવસ્તુઓ તોડી નખાઈ.

પોલીસ કાર્યવાહી

ઘટનાની જાણ થતા જ દાહોદ પોલીસનો મોટો કાફલો મડાવાવ ગામે દોડી આવ્યો હતો. પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો છે અને મૃતક વિજયના દેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે. હાલ ગામમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને હત્યા તેમજ તોડફોડ કરનારા શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: Surat: ડુપ્લીકેટ ઘીનો કાળો કારોબાર, સચિન GIDCમાં ધમધમતી ફેક્ટરીનો પર્દાફાશ