સુરત શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ નકલી ખાદ્ય પદાર્થો બનાવતા તત્વો વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. શહેરના સચિન GIDC વિસ્તારમાં એક ફેક્ટરી પર દરોડો પાડીને પોલીસે બ્રાન્ડેડ કંપનીઓના નામે વેચાતા નકલી ઘીના મોટા કારોબારનો પર્દાફાશ કર્યો છે.
નકલી ઘીનો મોટી માત્રામાં જથ્થો જપ્ત
SOG પોલીસને મળેલી બાતમીના આધારે સચિન GIDCમાં આવેલી એક ફેક્ટરીમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસને ત્યાંથી અંદાજે 2,000 કિલો નકલી ઘીનો તૈયાર જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત, નકલી ઘી બનાવવા માટે વપરાતું 1,700 કિલો જેટલું રો-મટીરીયલ (ખાદ્ય તેલ, એસેન્સ અને અન્ય કેમિકલ્સ) પણ જપ્ત કરવામાં આવ્યું છે.
બ્રાન્ડેડ પેકિંગનો ઉપયોગ
આરોપીઓ અત્યંત શાતિર રીતે પ્રખ્યાત બ્રાન્ડના ડબ્બા અને પાઉચમાં આ નકલી ઘી પેક કરીને બજારમાં અસલી તરીકે વેચતા હતા. આ નકલી ઘી જોતા સામાન્ય ગ્રાહક માટે તે અસલી છે કે નકલી તે ઓળખવું મુશ્કેલ હતું. પોલીસને આ ફેક્ટરીમાંથી મોટી સંખ્યામાં બ્રાન્ડેડ કંપનીઓના સ્ટીકરો અને ખાલી ડબ્બા પણ મળી આવ્યા છે.
પોલીસ તપાસ
હાલમાં SOG પોલીસે સમગ્ર જથ્થો જપ્ત કરી લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવાની તજવીજ હાથ ધરી છે. આ કાળા કારોબારમાં કોણ કોણ સંડોવાયેલું છે અને આ ઘી સુરત સિવાય અન્ય કયા શહેરોમાં સપ્લાય કરવામાં આવતું હતું, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો: Ahmedabad: હાટકેશ્વર બ્રિજ તોડતા પણ વિવાદ પીછો નથી છોડતો, પાણીની પાઈપલાઈન લાઈન ડેમેજ થતા રસ્તાઓ જળબંબાકાર