ગાંધીનગરમાં ટ્રાફિક મેનેજમેન્ટને આગામી પેઢીની ટેકનોલોજી સાથે જોડવા માટે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ગાંધીનગરના એન્ટ્રી પોઇન્ટ અને હાઇવેને જોડતા મુખ્ય સર્કલો પર વાહનોનું ભારણ સતત વધી રહ્યું છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે શહેરના વધુ ત્રણ મહત્વના વિસ્તારોમાં આધુનિક ટ્રાફિક પ્રોજેક્ટ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત સંપૂર્ણપણે ઓટોમેટેડ અને ડાયનેમિક એવી ATCS સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવશે.
વાહનોની સંખ્યા જોઈને બદલાશે સિગ્નલ
હાલના પરંપરાગત સિગ્નલોમાં સમય ફિક્સ હોય છે (જેમ કે ૬૦ સેકન્ડ), ભલે પછી રસ્તા પર ટ્રાફિક હોય કે ના હોય. પરંતુ નવી AI આધારિત સેન્સર સિસ્ટમ લાગ્યા બાદ, સિગ્નલ પર લાગેલા સ્માર્ટ કેમેરા કઈ દિશામાં કેટલા વાહનો ઉભા છે તેની આપોઆપ ગણતરી કરશે. જો કોઈ એક તરફ વાહનોની લાંબી લાઇન હશે, તો સિગ્નલ ડાયનેમિક બનીને તે દિશાને વહેલી તકે અને વધુ સમય માટે ગ્રીન સિગ્નલ આપશે. આનાથી વાહનચાલકોએ બિનજરૂરી સમય બગાડવો નહીં પડે.
