ગુજરાતમાં ઉનાળાના પ્રારંભે જ નાગરિકો અને ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વર પટેલે 'સંદેશ ન્યૂઝ' સાથેની ખાસ વાતચીતમાં ખાતરી આપી છે કે, રાજ્યમાં પીવાના પાણી કે સિંચાઈ માટે કોઈ તંગી સર્જાશે નહીં. રાજ્યના તમામ નાના-મોટા ડેમોમાં હાલ પૂરતો જળજથ્થો ઉપલબ્ધ છે.


સિંચાઈ માટે એક મહિનો વધુ પાણી

ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લેતા મંત્રીએ જણાવ્યું હતું કે, અગાઉ સિંચાઈ માટે 30 માર્ચ સુધી પાણી આપવાનું આયોજન હતું, પરંતુ હવે ખેતીના પાકને ધ્યાને રાખીને 30 એપ્રિલ સુધી સિંચાઈનું પાણી આપવામાં આવશે. આ નિર્ણયથી રવિ પાક લેતા હજારો ખેડૂતોને સીધો ફાયદો થશે.

નર્મદામાં 500 કરોડના નવા ડેમનું આયોજન

પાણીના સંગ્રહ અને વિતરણ વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે સરકારે નર્મદા જિલ્લાના જૂની જાવલી ગામે ₹500 કરોડના ખર્ચે નવો ડેમ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. આ ઉપરાંત ડેડીયાપાડા અને ગંગાપુર જેવા ઉંચાણવાળા વિસ્તારોમાં પણ પાણીની વ્યવસ્થા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. વન વિભાગની અંતિમ મંજૂરી મળતા જ આ પ્રોજેક્ટના કામો યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવશે.

પીવાના પાણી માટે સજ્જ તંત્ર

મંત્રી ઈશ્વર પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, પાણી પુરવઠા વિભાગ દ્વારા ઉનાળા દરમિયાન છેવાડાના ગામો સુધી પીવાનું પાણી મળી રહે તેવી ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે. ઉંચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી પહોંચાડવું પડકારજનક છે, ત્યાં પણ વિશેષ ટેકનોલોજી અને આયોજન દ્વારા જળ પુરવઠો જાળવી રાખવામાં આવશે.

આ પણ વાંચો:Bhavnagar: બોર્ડ પરીક્ષામાં ડમી વિદ્યાર્થી કાંડનો પર્દાફાશ, વિદ્યાર્થી વતી પેપર લખનાર શિક્ષક સામે પોલીસ ફરિયાદ

  • Follow us on: