ગુજરાતના સ્થાપના દિવસના પાવન અવસરે રાજ્ય સરકાર દ્વારા દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને નવી ઊંચાઈએ લઈ જવા માટે 'વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ' (VGRC) ની ત્રીજી આવૃત્તિની જાહેરાત કરવામાં આવી છે. આ પરિષદ સુરતની ઑરો યુનિવર્સિટી ખાતે 1 અને 2 મે 2026 દરમિયાન યોજાશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય દક્ષિણ ગુજરાતના પ્રાદેશિક વિકાસ, રોકાણ અને વૈશ્વિક જોડાણોને પ્રોત્સાહિત કરવાનો છે.
12,000 ચોરસ મીટરમાં ભવ્ય પ્રદર્શન
કોન્ફરન્સની સાથે જ 1 થી 5 મે 2026 દરમિયાન 'વાયબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન' (VGRE) નું પણ આયોજન કરવામાં આવ્યું છે. 12,000 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલા આ પ્રદર્શનમાં પ્રદેશના અગ્રણી ઉદ્યોગો, MSME, સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગસાહસિકો ભાગ લેશે. આ પ્રદર્શન સવારે 10:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે.
મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરાશે
આ ત્રીજી VGRC કોન્ફરન્સમાં દક્ષિણ ગુજરાતના કરોડરજ્જુ સમાન ગણાતા ટેક્સટાઇલ્સ અને જેમ્સ એન્ડ જ્વેલરી,એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ,કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ,ટૂરિઝમ અને સસ્ટેનેબિલિટી ક્ષેત્રો પર વિશેષ ભાર મૂકવામાં આવશે.
અગાઉના સફળ આયોજનો
ઉલ્લેખનીય છે કે, અગાઉ ઉત્તર ગુજરાત માટે મહેસાણામાં યોજાયેલા પ્રથમ પ્રદર્શનમાં 80,000થી વધુ મુલાકાતીઓ ઉમટ્યા હતા. ત્યારબાદ 11 જાન્યુઆરી 2026ના રોજ રાજકોટમાં સૌરાષ્ટ્ર-કચ્છ માટે યોજાયેલા એક્ઝિબિશનમાં 450 થી વધુ પ્રદર્શકોએ ભાગ લીધો હતો. આ સફળતા બાદ હવે સુરતમાં યોજાનાર આ આયોજનથી દક્ષિણ ગુજરાતના કુટિર ઉદ્યોગો અને હસ્તકલા કારીગરોને નવા બજારો સાથે જોડવામાં મદદ મળશે.
ખાસ કાર્યક્રમો અને નોંધણી
VGRE 2026 દરમિયાન રિવર્સ બાયર-સેલર મીટ, ઉદ્યમી મેળા અને વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ જેવા આકર્ષણો રહેશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છતા મુલાકાતીઓ અને ઉદ્યોગસાહસિકો vibrantgujarat.com/registration પર જઈને ઓનલાઈન નોંધણી કરાવી શકે છે.
આ પણ વાંચો: Surat: વેસુમાં આશીર્વાદ કોમ્પ્લેક્સની લિફ્ટમાં 9 મહિનાના બાળક સહિત 11 લોકો ફસાયા, ફાયર બ્રિગેડે 15 મિનિટમાં તમામને ઉગાર્યા