શહેરના પોશ ગણાતા વેસુ વિસ્તારમાં આજે એક ભયાનક ઘટના સામે આવી છે. વેસુમાં આવેલા આશીર્વાદ કોમ્પ્લેક્સમાં ટેકનિકલ ખામીને કારણે લિફ્ટ અધવચ્ચે જ ખોટકાઈ ગઈ હતી. આ લિફ્ટમાં 9 મહિનાના એક માસૂમ બાળક સહિત કુલ 11 લોકો ફસાઈ જતાં લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા. જોકે, ફાયર વિભાગની સમયસૂચકતાને કારણે મોટી હોનારત ટળી હતી.

લિફ્ટ અધવચ્ચે જામ થતા મચી ચીસાચીસ

મળતી માહિતી મુજબ, આશીર્વાદ કોમ્પ્લેક્સમાં લોકો લિફ્ટ દ્વારા અવરજવર કરી રહ્યા હતા ત્યારે અચાનક લિફ્ટ જામ થઈ ગઈ હતી. લિફ્ટમાં નાના બાળકો, મહિલાઓ અને પુખ્ત વયના લોકો મળી કુલ 11 સભ્યો સવાર હતા. લિફ્ટ બંધ થઈ જતાં અંદર હવા ઉજાસ ઓછો થવા લાગ્યો હતો અને લોકોએ બચાવ માટે બૂમાબૂમ શરૂ કરી દીધી હતી. ખાસ કરીને 9 મહિનાનું બાળક અંદર હોવાથી પરિવારજનોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.

ફાયર બ્રિગેડનું ત્વરિત રેસ્ક્યુ ઓપરેશન

ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર જવાનોએ લિફ્ટના દરવાજાને ટેકનિકલ રીતે ખોલવા માટેની કામગીરી શરૂ કરી હતી. માત્ર 15 મિનિટના ટૂંકા ગાળામાં જ ફાયરની ટીમે લિફ્ટના દરવાજાને સુરક્ષિત રીતે ખોલી નાખ્યા હતા અને અંદર ફસાયેલા તમામ 11 લોકોને એક પછી એક સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.

સૌએ માન્યો આભાર

લિફ્ટમાંથી બહાર નીકળતા જ લોકોના શ્વાસમાં શ્વાસ આવ્યો હતો. અંદાજે 15 મિનિટ સુધી લોકો લિફ્ટમાં મોત સામે લડી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ફાયર વિભાગની કામગીરીની પ્રશંસા કરતા લોકોએ આભાર વ્યક્ત કર્યો હતો. આ ઘટનાને પગલે કોમ્પ્લેક્સમાં લિફ્ટના મેન્ટેનન્સ અંગે પણ સવાલો ઉઠ્યા છે. સદનસીબે, કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી.

આ પણ વાંચો: Ahmedabad: ઉદયપુરમાં ગેંગવોર કરી અમદાવાદમાં છુપાયેલા બે રીઢા ગુનેગારો ઝડપાયા, ઝોન-7 LCBએ 10 હજારના ઇનામી શૂટરોની કરી ધરપકડ