કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરના પેથાપુર ખાતે ગુજરાતની પ્રથમ અને દેશની બીજી સૌથી આધુનિક BSL-4 (Biosafety Level 4) લેબનું ભૂમિપૂજન કર્યું હતું. રૂ. 362 કરોડના ખર્ચે તૈયાર થનારી આ લેબ પુણે પછી ભારતની બીજી એવી પ્રયોગશાળા હશે જે અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ હશે. આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું હતું કે, વિશ્વભરમાં આ પ્રકારની માત્ર 60 લેબ કાર્યરત છે અને આ ભારતની પહેલી એવી લેબ હશે જેનું નિર્માણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ લેબ ગુજરાતમાં બાયો-ટેકનોલોજીના એક નવા યુગની શરૂઆત કરશે.
જાણો લેબની વિશેષતા...
લેબની વિશેષતા અંગે વાત કરતા ગૃહમંત્રીએ જણાવ્યું કે, મનુષ્ય અને પશુ સ્વાસ્થ્ય સંબંધી ગંભીર સંશોધનો અહીં હાથ ધરવામાં આવશે. તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે દુનિયામાં 70 ટકા વાયરસ પશુઓ દ્વારા માણસમાં આવે છે, જેના માટે લંપી અને ચાંદીપુરા જેવા વાયરસનું ઉદાહરણ તેમણે આપ્યું હતું. કોરોના કાળની ભયાનક સ્થિતિને યાદ કરતા તેમણે ઉમેર્યું કે, ભૂતકાળમાં ભારત રિસર્ચ ક્ષેત્રે પાછળ હતું, પરંતુ હવે BSL-3 થી પણ ઉપર BSL-4 લેબની સુવિધા મળતા ઘાતક વાયરસ અને સંક્રમણ પર ઝડપી સંશોધન શક્ય બનશે.
સુરક્ષાનું અભેદ કવચ...
આ લેબ સ્વાસ્થ્ય ક્ષેત્રે સુરક્ષાનું અભેદ કવચ સાબિત થશે. ખાસ કરીને જ્યારે કોઈ અજાણ્યો રોગચાળો ફાટી નીકળે ત્યારે તેના પર ઝડપી સંશોધન કરી રસી કે દવા શોધવામાં આ સેન્ટર મહત્વની ભૂમિકા ભજવશે. અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ પ્રોજેક્ટથી ભારત સંશોધનના ક્ષેત્રમાં વિશ્વ સ્તરે મજબૂત બનશે. પેથાપુરમાં બનનારી આ લેબ માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશના નાગરિકો માટે આરોગ્ય સુરક્ષાનું નવું સરનામું બનશે.
આ પણ વાંચો : Gandhinagar News : માણસામાં કેન્દ્રીય ગૃહમંત્રીનું સંબોધન, ગુજરાતની દીકરીઓને લઈને આપ્યું મોટું નિવેદન...