કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે પોતાના વતન માણસા ખાતે રૂપિયા 267 કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ અવસરે ભાવુક થતા તેમણે જણાવ્યું હતું કે, જે ગામમાં તેઓ મોટા થયા ત્યાં વિકાસકાર્યોની ભેટ આપવી એ તેમના માટે ખૂબ જ યાદગાર અને મહત્વનો દિવસ છે. માણસાના સર્વાંગી વિકાસ માટે તેમણે પીવાના પાણી, ગટર વ્યવસ્થા, તળાવોના બ્યુટિફિકેશન અને રસ્તાઓને ફોર-લેન કરવાની મહત્વકાંક્ષી યોજનાઓ રજૂ કરી હતી. ખાસ કરીને ચંદ્રાસર તળાવના વિકાસ અને નર્મદાના પાણીની વ્યવસ્થાથી સ્થાનિકોના જીવનધોરણમાં મોટો સુધારો આવશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
સિવિલ હોસ્પિટલનું નિર્માણ થશે
આરોગ્ય ક્ષેત્રે મોટી જાહેરાત કરતા શાહે જણાવ્યું કે, માણસામાં રૂપિયા 245 કરોડના ખર્ચે 11 માળની અત્યાધુનિક સિવિલ હોસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે 2030 પછી માણસાના નાગરિકોને ઓપરેશન કે ગંભીર સારવાર માટે ગાંધીનગર કે અમદાવાદ સુધી લાંબા નહીં થવું પડે. આ સાથે જ યુવાનોના સ્વાસ્થ્ય માટે અદ્યતન સ્પોર્ટ્સ સંકૂલ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં તેમણે ખાસ એક આધુનિક જીમ બનાવવાની પણ સૂચના આપી છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે 2036માં જ્યારે અમદાવાદમાં ઓલિમ્પિકનું આયોજન થાય, ત્યારે માણસામાં તૈયાર થયેલી દીકરીઓ તેમાં ભાગ લઈને દેશનું નામ રોશન કરે.
