ગુજરાતની જનતા એક અદ્ભુત ખગોળીય ઘટનાનો સાક્ષી બનવા જઈ રહી છે. વર્ષ 2025ના છેલ્લા અને સૌથી તેજસ્વી સુપરમૂનના સાક્ષી બની રહ્યું છે. આ અલૌકિક ઘટનાની ઉજવણી કરવા અને લોકોમાં વિજ્ઞાન પ્રત્યેની જિજ્ઞાસા પ્રગટાવવા માટે, ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ (DST) હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) એ રાજ્યવ્યાપી આકાશ નિરીક્ષણ અને લોક જાગૃતિ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે.


શું છે સુપરમૂન?

જ્યારે ચંદ્ર પૃથ્વીની સૌથી નજીકના ભ્રમણકક્ષાના બિંદુ (પેરીજી) પર પહોંચે છે અને તે જ સમયે પૂનમ હોય, ત્યારે તેને 'સુપરમૂન' કહેવાય છે. આ સ્થિતિમાં ચંદ્ર સામાન્ય પૂનમના ચંદ્ર કરતાં વધારે મોટો, તેજસ્વી અને પ્રકાશિત દેખાય છે. આ કુદરતી કરિશ્મા માત્ર આકાશની સુંદરતામાં વધારો કરે છે, પરંતુ બ્રહ્માંડની ગતિ અને સંવાદિતાનું એક શક્તિશાળી ઉદાહરણ પણ પૂરું પાડે છે.

GUJCOSTનું 'આકાશ દર્શન' અભિયાન

GUJCOSTના સલાહકાર ડૉ. નરોત્તમ સાહૂએ જણાવ્યું હતું કે, આ અવકાશી ઘટના યુવાનોને અવકાશ વિજ્ઞાન સાથે જોડવાની એક અમૂલ્ય તક છે. "સુપરમૂન માત્ર દૃશ્યમાન આનંદ નથી, તે આકાશમાં ખુલ્લું વર્ગખંડ છે. તેના નિરીક્ષણ દ્વારા, આપણે યુવા દિમાગને પ્રશ્નો પૂછવા, સંશોધનનાં સપના જોવા અને આપણા બ્રહ્માંડની ભવ્યતાને સમજવા પ્રેરિત કરીએ છીએ.

ગુજરાતના તમામ જિલ્લા અને પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રો પર યોજાનાર આ રાજ્યવ્યાપી કાર્યક્રમની મુખ્ય વિશેષતાઓ

ભાવનગર, ભુજ, પાટણ અને રાજકોટ સહિતના તમામ પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રો પર નિષ્ણાત માર્ગદર્શકોની હાજરીમાં જાહેર જનતા માટે ટેલિસ્કોપથી ચંદ્ર નિરીક્ષણ સત્રોનું આયોજન થશે. નિષ્ણાતો દ્વારા ચંદ્રના તબક્કાઓ, ભ્રમણકક્ષાનું વિજ્ઞાન અને સુપરમૂનની ઘટનાને સરળ ભાષામાં સમજાવવામાં આવશે. શાળા જૂથો અને પરિવારો માટે ચંદ્રના ખાડાઓના નિદર્શન સહિત ઇન્ટરેક્ટિવ સત્રો અને અવકાશ-જાગૃતિ પ્રદર્શનો યોજાશે.

જેઓ સ્થળ પર ન જઈ શકે, તેમના માટે પસંદગીના કેન્દ્રો પરથી ઓનલાઈન પ્રસારણની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઉત્સાહી ફોટોગ્રાફરો માટે સુપરમૂનના દ્રશ્યો કેમેરામાં કેદ કરવા અને GUJCOSTના પ્લેટફોર્મ પર શેર કરવા માટે ખાસ સ્થળો નક્કી કરાયા છે. આ પહેલ વિજ્ઞાન શિક્ષણ, જાહેર સહભાગિતા અને અર્થપૂર્ણ અનુભવો દ્વારા વૈજ્ઞાનિક અભિગમ કેળવવા માટે GUJCOSTની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે.

ગુજરાતનું આકાશ તૈયાર છે, તો બહાર નીકળો, ઉપર જુઓ, અને 2025ના આ અંતિમ કોસ્મિક ક્ષણનો હિસ્સો બનો. આ સુપરમૂન તમારા મનને પ્રકાશિત કરે અને બ્રહ્માંડના રહસ્યો તરફની આજીવન યાત્રા શરૂ કરાવે!


આ પણ વાંચો - Valsad News: સાંસદ ધવલ પટેલે દિલ્હીમાં કેન્દ્રીય મંત્રીઓ સાથે યોજી બેઠક, રેલવે પ્રશ્નો અને દક્ષિણ ગુજરાતની સ્વાસ્થ્ય સેવાઓ અંગે કરી ચર્ચા


  • Follow us on: