ગાંધીનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ટાઈફોઈડના કેસોમાં ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ટાઈફોઈડનો પ્રકોપ એટલી હદે વધ્યો છે કે કુલ કેસોની સંખ્યા હવે 167 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં જ નવા 14 પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. જોકે, રાહતની વાત એ છે કે અત્યાર સુધીમાં 18 દર્દીઓને સ્વસ્થ થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેમ છતાં, વધતા જતા કેસોને જોતા શહેરીજનોમાં ફફડાટ ફેલાયો છે અને હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.

 આરોગ્ય તંત્ર એલર્ટ

બીજી તરફ, ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે શહેરમાં પૂરૂ પાડવામાં આવતું પાણી પીવાલાયક અને શુદ્ધ છે. મનપા દ્વારા અત્યાર સુધીમાં પાણીના નમૂના લઈ 1000 થી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જે તમામ રિપોર્ટ નેગેટિવ હોવાનું જણાવાયું છે. જોકે, ગઈકાલના આંકડા મુજબ 9 નવા કેસ નોંધાયા હતા અને હાલમાં પણ 84 જેટલા દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. તંત્ર દ્વારા પાણીના સ્ત્રોત તપાસવામાં આવી રહ્યા હોવા છતાં કેસ કેમ વધી રહ્યા છે તે એક મોટો પ્રશ્ન છે. આરોગ્ય વિભાગ દ્વારા લોકોને પાણી ઉકાળીને પીવા અને પર્સનલ હાઈજીન જાળવવા અપીલ કરવામાં આવી છે.