ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન આજે પ્રદૂષિત પાણીના મુદ્દે શાસક પક્ષ અને વિપક્ષ સામસામે આવી ગયા હતા. કોંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્ય શૈલેષ પરમારે પ્રજાના હિતમાં પ્રદૂષિત પાણીનો મુદ્દો ઉઠાવવા માટે ગૃહમાં પ્રદૂષિત પાણી બતાવવાનો પ્રયાસ કર્યો હતો, જેની સામે ભાજપના નેતાઓએ 'પોઈન્ટ ઓફ ઓર્ડર' ઉઠાવી ભારે વિરોધ નોંધાવ્યો હતો.
જીતુ વાઘાણીનો પોઈન્ટ ઓફ ઓર્ડર અને અધ્યક્ષની સૂચના
પૂર્વ મંત્રી જીતુ વાઘાણીએ ગૃહના નિયમોને ટાંકીને જણાવ્યું હતું કે, કોઈ પણ સભ્ય ગૃહમાં વસ્તુ લાવી કે બતાવી શકે નહીં. તેમણે શૈલેષ પરમારને સંબોધતા કહ્યું કે, "તમે સારા વ્યક્તિ છો, આવા નિયમોનો દુરુપયોગ ન કરો." આ મામલે અધ્યક્ષે પણ કડક વલણ અપનાવતા કહ્યું કે, "ગૃહમાં કોઈ પ્રદર્શન કરી શકાતું નથી. શૈલેષભાઈ તમે સિનિયર છો, તમે લાવ્યા એ પાણી છે કે બીજું કંઈ એ મારે ચેક કરવું પડશે."
શૈલેષ પરમારનો વળતો જવાબ
પોતાનો બચાવ કરતા શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, "મારું મગજ ઠેકાણે છે અને મને ખબર છે કે અહીં પ્રદર્શન ન થાય. મારો ઈરાદો પ્રદર્શનનો નહોતો, પરંતુ સરકારે જ્યારે કહ્યું કે બધું બરાબર છે, ત્યારે પ્રજાના હિતમાં મેં સત્ય બતાવવાનો પ્રયાસ કર્યો છે."
અર્જુન મોઢવાડિયાના આકરા પ્રહારો
આ ચર્ચામાં કૂદતા કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આમ આદમી પાર્ટી (AAP) અને પંજાબ સરકાર પર નિશાન સાધ્યું હતું. ગોપાલ ઇટાલિયાના નિવેદનનો સંદર્ભ આપતા તેમણે કહ્યું કે, "ઇટાલિયા કહે છે પંજાબથી શીખીને શાળા બનાવો, પણ પંજાબમાં શું ચાલે છે એ જુઓ. પંજાબમાં કોણ 'ટલ્લી' થઈને ભાષણ કરે છે એ જગજાહેર છે." તેમણે વધુમાં ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, "તમારા મુખ્યમંત્રી દારૂ વેચીને કરોડો કમાયા છે."
ગૃહમાં હાસ્ય અને કટાક્ષ
ચર્ચા દરમિયાન લોકસભા અને પંજાબમાં દારૂ પીને આવતા નેતાઓ અંગેના કટાક્ષોથી ગૃહમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો. અર્જુન મોઢવાડિયાએ શૈલેષ પરમારને સલાહ આપી હતી કે તેઓ જાણકાર છે, તેમણે દિલ્હી કે પંજાબની રાજનીતિથી શીખવાની જરૂર નથી.
આ પણ વાંચો: Bardoli: રુવા ગામે કુરિયર બોય બની આવેલાનો વૃદ્ધ પર ચપ્પુ વડે હુમલો, આધેડના પ્રતિકાર સામે લૂંટારુના હોશ ઉડ્યા