ગાંધીનગરમાં તંત્રની બેદરકારી અને જર્જરિત પાઈપલાઈનને કારણે લાખો લિટર પાણીનો વેડફાટ થવાની ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા સેક્ટર 5 અને 13 ની ચોકડી પાસે પાણીની મુખ્ય લાઈનમાં મોટું ભંગાણ સર્જાતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.

જર્જરિત પાઈપલાઈનને કારણે પાણીનો વેડફાટ

સેક્ટર 5-13 ચોકડી પાસે લાઈન ફાટવાને કારણે પાણીનું પ્રેશર એટલું વધુ હતું કે જોતજોતામાં આખું જંક્શન પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. માર્ગો પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. પાણીના ભરાવાને કારણે રસ્તા વચ્ચેના ડિવાઈડર પણ દેખાતા બંધ થઈ ગયા હતા, જેને પગલે વાહનચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ઉનાળામાં પાણીના વેડફાટથી રોષ

એક તરફ જ્યારે ઉનાળો જામી રહ્યો છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં પાણીની તંગી વર્તાઈ રહી છે, ત્યારે પાટનગરમાં આ રીતે હજારો-લાખો લિટર શુદ્ધ પાણીનો વેડફાટ થતા સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લાઈન ભંગાણને કારણે આસપાસના સેક્ટરોમાં પાણી પુરવઠો ખોરવાઈ જવાની પણ શક્યતા સેવાઈ રહી છે.

આ પણ વાંચો: Surendranagar: હાઈવે પરથી ટેન્કરમાં લઈ જવાતો 95 લાખનો દારૂ ઝડપાયો, ગોવાથી રાજકોટ-જામનગર સુધી ફેલાયેલું હતું નેટવર્ક