ગુજરાતમાં હાલ ઋતુ પરિવર્તનનો ગાળો ચાલી રહ્યો છે, જેના કારણે રાજ્યભરમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગની તાજેતરની આગાહીમાં જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં પણ ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાવાને કારણે વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થશે. આ મિશ્ર વાતાવરણને કારણે લોકોમાં વાયરલ બીમારીઓનું પ્રમાણ વધવાની ભીતિ પણ સેવાઈ રહી છે.


તાપમાનનો પારો

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અમદાવાદ અને ગાંધીનગર સહિતના શહેરોમાં લઘુતમ તાપમાન 17 થી 18 ડિગ્રીની આસપાસ નોંધાઈ શકે છે, જેના કારણે વહેલી સવારે અને રાત્રે ગુલાબી ઠંડીનો અનુભવ થશે. જોકે, દિવસ દરમિયાન સૂર્યપ્રકાશને લીધે મહત્તમ તાપમાન 30 થી 32 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે, જે બપોરના સમયે ગરમીનો અહેસાસ કરાવશે.

આગાહી અને અસરો

હાલમાં વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નહિવત છે. હવામાન નિષ્ણાતોના મતાનુસાર, ઉત્તર-પૂર્વના પવનોની દિશા અને ગતિને કારણે તાપમાનમાં આ પ્રકારનો તફાવત જોવા મળી રહ્યો છે. આ બેવડી ઋતુ દરમિયાન ખાસ કરીને બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે.

બપોર અને સવારના તાપમાનમાં અંદાજે 12 થી 15 ડિગ્રીનો મોટો તફાવત જોવા મળી રહ્યો હોવાથી શરીરને અનુકૂળ થવામાં મુશ્કેલી પડી શકે છે. હાલ રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા નથી, પરંતુ આકાશ મુખ્યત્વે ચોખ્ખું રહેતા બપોરે તડકાની તીવ્રતા વધુ જણાશે.


આ પણ વાંચો - વાંચો બપોરના 12 થી 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક ક્લિક પર


  • Follow us on: