આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાતના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે વિશ્વભરના અગ્રણી ચેરપર્સન, CEO, રોકાણકારો અને બહુપક્ષીય સંસ્થાઓ સાથે ૫૮થી વધુ મહત્વપૂર્ણ બેઠકો યોજી હતી. આ બેઠકો થકી વિવિધ ક્ષેત્રોમાં રોકાણ માટે ભારતના સૌથી વિશ્વસનીય અને પ્રગતિશીલ રાજ્ય તરીકે ગુજરાતે પોતાનું સ્થાન વધુ મજબૂત કર્યું છે.
પ્રતિનિધિમંડળે ઉદ્યોગ જગતના માંધાતાઓ સાથે ચર્ચા કરી
આ પાંચ દિવસીય વૈશ્વિક મંચ દરમિયાન, ગુજરાતે મજબૂત ઔદ્યોગિક પાયો, આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નવીનતા આધારિત આર્થિક વિકાસનું વિઝન રજૂ કર્યું હતું. પ્રતિનિધિમંડળે ઉદ્યોગ જગતના માંધાતાઓ સાથે ચર્ચા કરતા જણાવ્યું હતું કે, ગુજરાત નેક્સ્ટ જનરેશન ઉદ્યોગો, એડવાન્સ મેન્યુફેક્ચરિંગ, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, ક્લીન એનર્જી અને ફ્યુચર ટેક્નોલોજી માટે સંપૂર્ણ સજ્જ છે. ગુજરાતે પોતાની પરંપરાગત ઔદ્યોગિક શક્તિની સાથે સાથે બદલાતા સમય સાથે કદમ મિલાવવાની તૈયારીઓ પણ વિશ્વ સમક્ષ મૂકી છે.
આ 'કોમ્પિટિટિવ છતાં કોલાબોરેટિવ' અભિગમ એ ગુજરાતની સાચી ઓળખ છે
ગુજરાતે દુનિયાને જણાવ્યું કે, અમે માત્ર વેપારમાં જ નહીં, પણ રમતગમત ક્ષેત્રમાં પણ વિશ્વ કક્ષાનું માળખું ઊભું કરી રહ્યા છીએ. આપણા યુવાનો અને સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટેનું આ વિઝન રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ગુજરાતે આ વૈશ્વિક મંચ પર સાબિત કર્યું છે કે, "અમે માત્ર ઉદ્યોગલક્ષી જ નહીં, પણ રોકાણકારો માટે સુરક્ષિત અને અમલીકરણમાં પણ ઝડપી છીએ." વૈશ્વિક કક્ષાએ પણ ગુજરાતના ગવર્નન્સ મોડલ અને 'ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ' પ્રત્યે એક અતૂટ વિશ્વાસ જોવા મળ્યો છે. રાજ્યની નીતિઓમાં રહેલી સ્થિરતા અને દીર્ઘકાલીન આયોજન એ વિશ્વના રોકાણકારો માટે સૌથી મોટું આકર્ષણ બન્યું છે. ગુજરાતે ખૂબ જ સુંદર રીતે પોતાની છબી રજૂ કરી છે. ગુજરાતની સ્પર્ધા માત્ર આગળ વધવા માટે નથી, પણ અન્ય રાજ્યો સાથે મળીને ભારતની આર્થિક વ્યવસ્થાને મજબૂત કરવા માટેની છે. આ 'કોમ્પિટિટિવ છતાં કોલાબોરેટિવ' અભિગમ એ ગુજરાતની સાચી ઓળખ છે.
ફ્યુચર-રેડી ઈકોસિસ્ટમ આ પાંચ મહત્વની શક્તિઓ ગુજરાતે વૈશ્વિક મંચ પર રજૂ કરી હતી
ગુજરાતની આર્થિક સફર એ માત્ર આંકડાઓની રમત નથી, પણ એક દૂરંદેશી નેતૃત્વ દ્વારા કંડારાયેલો સફળતાનો માર્ગ છે. આજે જ્યારે વિશ્વ ગુજરાત તરફ આશાભરી નજરે જોઈ રહ્યું છે, ત્યારે તેની પાછળ વર્ષોની તપસ્યા અને દ્રઢ સંકલ્પ રહેલો છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હત, ત્યારે તેમણે રાજ્યના વિકાસને એક નવી દિશા આપી હતી. 'વાઈબ્રન્ટ ગુજરાત' જેવા અભિગમો દ્વારા તેમણે ગુજરાતમાં પરિવર્તનલક્ષી વિકાસનો એવો પાયો નાખ્યો, જેણે ગુજરાતને વૈશ્વિક રોકાણકારો માટેનું પહેલું પસંદગીનું સ્થળ બનાવ્યું છે. ગુજરાતમાં રોકાણ કરવું એ માત્ર આર્થિક નિર્ણય નથી, પણ ઉજ્જવળ ભવિષ્યની ગેરંટી છે. અડગ અને સ્પષ્ટ સરકારી નીતિઓ, મહેનતુ અને બૌદ્ધિક રીતે સજ્જ યુવા શક્તિ, પારદર્શક વહીવટ અને ભરોસાપાત્ર સરકારી તંત્ર તથા ફ્યુચર-રેડી ઈકોસિસ્ટમ આ પાંચ મહત્વની શક્તિઓ ગુજરાતે વૈશ્વિક મંચ પર રજૂ કરી હતી.
દાવોસના મંચ પરથી ગુજરાતે વિશ્વને એક અતૂટ ભરોસો આપ્યો છે
વૈશ્વિક મંચ પરથી ગુજરાત માત્ર સમજૂતીઓ લઈને નહીં, પણ નવા મજબૂત સંબંધો અને અતૂટ વૈશ્વિક વિશ્વાસ લઈને પરત ફરી રહ્યું છે. WEF 2026 ના સફળ સમાપન સાથે ગુજરાત આજે વિશ્વના નકશા પર એક એવા આર્થિક શિખર તરીકે ઉભરી આવ્યું છે, જ્યાં અતૂટ વિશ્વાસ અને અપાર તકોનો સંગમ થાય છે. દાવોસથી મજબૂત વૈશ્વિક સંબંધોની મૂડી લઈને પરત ફરતું ગુજરાત હવે 'વિકસિત ગુજરાત @ 2047' ના વિઝન સાથે નવી ઊંચાઈઓ સર કરવા સજ્જ છે. ગુજરાત દુનિયાભરના રોકાણકારો માટે ભરોસાનું સરનામું બન્યું છે. ભારતને વૈશ્વિક આર્થિક મહાસત્તા બનાવવાના મિશનમાં ગુજરાત હવે એક મજબૂત સારથિ બનીને સમગ્ર વિશ્વને આવકારવા સજ્જ છે.
આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ પર, 26 જાન્યુઆરીને લઈને સુરક્ષા એલર્ટ અપાયું અને મુસાફરો માટે મહત્વની એડવાઈઝરી જાહેર