આજે જ્યારે સમગ્ર વિશ્વ 'વિશ્વ જળ દિવસ' ઉજવી રહ્યું છે, ત્યારે ગુજરાત માટે પાણીના સંગ્રહના આંકડા સામે આવ્યા છે. રાજ્યના કુલ 207 મહત્વના જળાશયોમાં હાલમાં 68.96% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે ધીમે-ધીમે જળાશયોના તળિયા દેખાવા લાગ્યા છે, જે આગામી દિવસોમાં પાણીના કરકસરભર્યા ઉપયોગ તરફ ઈશારો કરે છે.

પીવાના પાણીની જરૂરિયાત માટે રાહતના સમાચાર

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલમાં 73.03 ટકા પાણીનો સંગ્રહ છે. આ ડેમમાં અત્યારે અંદાજે 6908.57 MCFT પાણી ઉપલબ્ધ છે, જે રાજ્યની પીવાના પાણીની જરૂરિયાત માટે રાહતના સમાચાર છે. જોકે, રાજ્યના અન્ય 155 જેટલા નાના-મોટા જળાશયોમાં પાણીનું સ્તર 70 ટકાથી પણ ઓછું થઈ ગયું છે.

ઝોન વાઈઝ પાણીની સ્થિતિ

રાજ્યના અલગ-અલગ ઝોનની સ્થિતિ પર નજર કરીએ તો, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં સૌથી વધુ 73.31 ટકા અને દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 71.28 ટકા પાણીનો સંગ્રહ છે. ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 57.56 ટકા અને સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 54.75 ટકા પાણી ઉપલબ્ધ છે. સૌથી ચિંતાજનક સ્થિતિ કચ્છ ઝોનની છે, જ્યાં 20 જળાશયોમાં માત્ર 38.72 ટકા પાણીનો જથ્થો બચ્યો છે.

જળાશયોનું વર્ગીકરણ

જળાશયોના ભરાવાની ટકાવારી મુજબ જોઈએ તો, રાજ્યના કુલ જળાશયો પૈકી માત્ર 10 જળાશયો જ 90 ટકાથી વધુ ભરાયેલા છે. આ ઉપરાંત 10 જળાશયોમાં 80 થી 90 ટકા અને 31 જળાશયોમાં 70 થી 80 ટકા પાણીનો સંગ્રહ છે. જ્યારે રાજ્યના મોટાભાગના એટલે કે 155 જળાશયોમાં પાણીનું સ્તર 70 ટકા થી નીચે ઉતરી ગયું છે. વિશ્વ જળ દિવસે આ આંકડા આપણને સમજાવે છે કે, ઉનાળાના આકરા દિવસોમાં પાણીનું મૂલ્ય સમજી તેનો બગાડ અટકાવવો અત્યંત અનિવાર્ય છે.


આ પણ વાંચો - Gandhinagar: સરગાસણ-કુડાસણ રોડ પર કારે પલટી મારી, અકસ્માતમાં ચાલક ઇજાગ્રસ્ત