ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આગામી 1લી જાન્યુઆરી 2026ના રોજ એક ઐતિહાસિક અને ગૌરવશાળી કાર્યક્રમ ‘નવા વર્ષની પ્રથમ સૂર્યકિરણને નમસ્કાર’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહીને ગુજરાતના યુવાધનને યોગ અને રાષ્ટ્રવાદના પંથે ચાલવા માટે પ્રોત્સાહિત કરશે.
વેસ્ટર્ન પાર્ટી કલ્ચર છોડી ભારતીય સંસ્કૃતિ અપનાવવા GenZ ને આહવાન
પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણ હેઠળ જ્યારે આજની યુવા પેઢી (GenZ) 31મી ડિસેમ્બરની મોડી રાત સુધીની પાર્ટીઓમાં મગ્ન રહે છે, ત્યારે મંત્રી હર્ષ સંઘવીએ તેમને 'પાર્ટીથી યોગ તરફ' વળવા આહવાન કર્યું છે. આ અભિયાનનો હેતુ યુવાનોને નશા અને વ્યસનમુક્ત જીવન તરફ લઈ જઈ, પ્રાચીન ભારતીય યોગ સંસ્કૃતિ સાથે જોડવાનો છે.
ઘરે બેઠા લાખો લોકો YouTube LIVE ના માધ્યમથી જોડાશે
આ કાર્યક્રમની સૌથી મોટી વિશેષતા એ છે કે તે સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી પ્રસારિત થશે. રાજ્યના ખૂણેખૂણેથી લાખો નાગરિકો, વિદ્યાર્થીઓ અને સરકારી કર્મચારીઓ 1લી જાન્યુઆરીએ સવારે 7:00 થી 8:00 કલાકે પોતાના મોબાઈલ દ્વારા લાઈવ સત્રમાં જોડાઈ શકશે. લોકો પોતાની અગાશી, બગીચા કે ઘરના આંગણે રહીને સૂર્યનમસ્કાર અને ધ્યાન દ્વારા નૂતન વર્ષનું સ્વાગત કરશે.
ડિજિટલ સર્ટિફિકેટ અને જનભાગીદારી
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આ કાર્યક્રમમાં સહભાગી થનાર દરેક નાગરિકને પ્રોત્સાહિત કરવા માટે ડિજિટલ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે. આ ઐતિહાસિક કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષણ સંસ્થાઓ, રમતગમત એકેડમી અને સામાજિક સંસ્થાઓ પણ જોડાશે. 'વિદેશીથી સ્વદેશી તરફ' ના મંત્ર સાથે આ કાર્યક્રમ ગુજરાતના યુવાધનને નવી દિશા આપશે.
કઈ રીતે જોડાવું?
નાગરિકોએ 1લી જાન્યુઆરીએ સવારે 7:00 વાગ્યે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સત્તાવાર YouTube ચેનલ પર લાઈવ જોડાઈ જવાનું રહેશે. વધુ વિગતો અને રજિસ્ટ્રેશન માટે https://suryanamaskar.gsyb.in પર મુલાકાત લઈ શકાય છે.
આ પણ વાંચો: મકરપુરામાં કૂતરાઓનો આતંક, 20 દિવસમાં 30 લોકોને બચકા ભર્યા, તંત્રએ કહ્યું - 'રસી આપી ફરી ત્યાં જ છોડાશે'