વડોદરામાં રખડતા શ્વાનનો આતંક સતત વધી રહ્યો છે, જેમાં મકરપુરા વિસ્તારની સ્થિતિ અત્યંત ગંભીર બની છે. મકરપુરાની સાંઈ દર્શન સોસાયટી અને આસપાસના વિસ્તારમાં છેલ્લા 20 દિવસમાં કૂતરાઓએ 30 જેટલા લોકોને બચકા ભરી લોહીલુહાણ કરતા સ્થાનિકોમાં ભારે ફફડાટ અને રોષ જોવા મળી રહ્યો છે.


તંત્રની કામગીરી અને અધિકારીનું નિવેદન

આ સમગ્ર મામલે વડોદરા કોર્પોરેશનના માર્કેટ સુપરિન્ટેન્ડન્ટ ડો. વિજય પંચાલનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, નાગરિકોની ફરિયાદ મળતાની સાથે જ કોર્પોરેશનની ટીમ એક્શનમાં આવી છે અને આતંક મચાવતા હડકાયા કૂતરાઓને પાંજરે પૂરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ડો. પંચાલે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે જે કૂતરાઓએ આતંક મચાવ્યો છે, તેઓનું અગાઉ ખસીકરણ (Sterilization) કરવામાં આવ્યું હતું.આ શ્વાનોને અગાઉ હડકવા વિરોધી રસી (Anti-Rabies Vaccine) પણ આપવામાં આવી હતી.

 રસી આપીને ફરી ત્યાં જ છોડાશે

અધિકારીએ વધુમાં જણાવ્યું કે, સરકારી ગાઇડલાઇન અને એબીસી (Animal Birth Control) નિયમો મુજબ, રખડતા કૂતરાઓને પકડીને માત્ર રસી આપી શકાય છે અથવા ખસીકરણ કરી શકાય છે. નિયમ મુજબ, આ કૂતરાઓને ફરીથી રસી આપીને તે જ જગ્યાએ પરત છોડવામાં આવશે.

ભોગ બનનાર માટે સૂચના

મકરપુરા વિસ્તારમાં જેટલા પણ નાગરિકોને કૂતરા કરડ્યા છે, તે તમામને તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે કે તેઓએ નિયમ મુજબ તાત્કાલિક હડકવા વિરોધી રસી (Vaccination) ના તમામ ડોઝ લેવા પડશે, જેથી કોઈ ગંભીર બીમારીનું જોખમ ન રહે.

આ પણ વાંચો: હજીરા NTPC સોલર પ્લાન્ટ પાસે દીપડો દેખાતા ફફડાટ, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

  • Follow us on: