સુરતના હજીરા ઔદ્યોગિક વિસ્તારમાં આજે વહેલી સવારે વન્ય પ્રાણી દીપડો દેખાતા સ્થાનિકો અને કર્મચારીઓમાં ભારે ગભરાટ ફેલાયો છે. હજીરા સ્થિત NTPC સોલર પ્લાન્ટની પાછળના ભાગમાં દીપડો લટાર મારતો જોવા મળ્યો હતો, જેની જાણ થતા જ વન વિભાગની ટીમ દોડતી થઈ ગઈ છે.
દીપડો દેખાતા સ્થાનિકો અને કર્મચારીઓમાં ગભરાટ
પ્રાપ્ત વિગતો અનુસાર, આજે સવારે અંદાજે 7:30 કલાકે જ્યારે પ્લાન્ટના કર્મચારીઓ અને આસપાસના લોકો પોતાની કામગીરીમાં વ્યસ્ત હતા, ત્યારે અચાનક સોલર પ્લાન્ટની પાછળની ખુલ્લી જગ્યામાં દીપડો નજરે પડ્યો હતો. દીપડાને જોઈને લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. જોકે, કેટલાક જાગૃત નાગરિકોએ પોતાની સુરક્ષા જાળવીને દીપડાનો વીડિયો મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો હતો.
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ
દીપડો લટાર મારતો હોવાનો આ વીડિયો ગણતરીની મિનિટોમાં સુરતના સોશિયલ મીડિયા ગ્રુપમાં વાયરલ થઈ ગયો છે. વીડિયોમાં દીપડો પ્લાન્ટની પાછળની ઝાડીઓ પાસે શાંતિથી પસાર થતો જોઈ શકાય છે. આ સમાચાર વાયુવેગે ફેલાતા હજીરા પંથકના ગ્રામજનો અને ઉદ્યોગમાં કામ કરતા કામદારોમાં સુરક્ષાને લઈને ચિંતા વ્યાપી ગઈ છે.
વન વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ
ઘટનાની જાણ થતા જ ફોરેસ્ટ વિભાગ (વન વિભાગ) ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. વન અધિકારીઓએ દીપડાના પગના નિશાન (પગલાં) મેળવવા અને તે કઈ દિશામાં ગયો છે તેની તપાસ શરૂ કરી છે. સાવચેતીના ભાગરૂપે વન વિભાગ દ્વારા પ્લાન્ટની આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને રાત્રિના સમયે બહાર ન નીકળવા અને સાવધ રહેવા સૂચના આપવામાં આવી છે. આગામી સમયમાં જો દીપડો ફરી દેખાશે તો તેને પાંજરે પૂરવા માટેની તજવીજ પણ હાથ ધરવામાં આવી શકે છે.
આ પણ વાંચો: વલ્લભીપુર પંથકમાં દીપડાનો આતંક સમાપ્ત, વનવિભાગની કામગારીથી ચાર ગામના લોકોએ લીધો રાહતનો શ્વાસ