ગીર સોમનાથ જિલ્લામાં પેટ્રોલ પંપ પર ખેડૂતોના હંગામાની ઘટના સામે આવતા ભારે ચર્ચા જગાઈ છે. સોનારીયા ફાટક નજીક આવેલા વિકાસ પેટ્રોલિયમ પેટ્રોલ પંપ પર ખેડૂતો ડીઝલ ન મળતા રોષે ભરાયા હતા. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે.
કારમાં હજારોનું ડીઝલ, ટ્રેક્ટરને 500નું પણ નહીં: ખેડૂતો
ખેડૂતોનો આરોપ છે કે પેટ્રોલ પંપ સંચાલકો દ્વારા ટ્રેક્ટર માટે પૂરતું ડીઝલ આપવામાં આવતું નથી, જ્યારે કાર અને અન્ય ખાનગી વાહનોમાં હજારો રૂપિયાનું ડીઝલ સરળતાથી ભરવામાં આવે છે. ખેડૂતોનું કહેવું છે કે “કારમાં હજારો રૂપિયાનું ડીઝલ મળે છે, પરંતુ ટ્રેક્ટરમાં રૂ.500નું પણ ડીઝલ આપવામાં આવતું નથી.” જેના કારણે ખેતીના કામોમાં મુશ્કેલી ઊભી થઈ રહી છે.
જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માગ
ઘટના બાદ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને પેટ્રોલ પમ્પ સંચાલક સામે મનમાની તથા ગેરવર્તનના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. કેટલાક ખેડૂતોનું કહેવું છે કે ખેતીની સીઝન દરમિયાન ડીઝલની અછત સર્જાતા ટ્રેક્ટર અને કૃષિ સાધનો ચલાવવામાં મુશ્કેલીઓ વધી રહી છે. આ મામલે જિલ્લા કલેક્ટર સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી છે અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માગ ઉઠી છે. બીજી તરફ પુરવઠા અધિકારીએ ખેડૂતોને સમગ્ર મામલે તપાસ કરવાની ખાતરી આપી છે.
અધિકારીઓએ જણાવ્યું કે જો કોઈ ગેરરીતિ સામે આવશે તો યોગ્ય પગલાં લેવામાં આવશે. ઘટનાએ જિલ્લામાં પેટ્રોલ પંપોની કામગીરી અને પુરવઠા વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા કર્યા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોને લઈને લોકો પણ વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યા છે. ખેડૂતો હવે પ્રશાસન પાસેથી ઝડપી કાર્યવાહી અને યોગ્ય ન્યાયની આશા રાખી રહ્યા છે.
આ પણ વાંચો : Mehsana News: ખેરાલુ-સતલાસણાના ખેડૂતો માટે પાણી મુદ્દે મોટી રાહત, ધરોઈ ડેમમાંથી 14 ગામોના તળાવો ભરાશે