ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ગુંદરણ ગીર ગામ નજીક આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. પોતાની દુકાન માટે સામાન લેવા જઈ રહેલા એક પ્રોઢની છકડો રિક્ષા બેકાબૂ બની પલટી જતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે મૃતકના ગામ જાંબુર ગીરમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

દુકાનનો સામાન લેવા જતી વખતે કાળ આંબી ગયો

પ્રાપ્ત વિગતો અનુસાર, જાંબુર ગીર ગામના રહીશ હસનભાઈ મકવાણા, જેઓ ગામમાં પાન-કરિયાણાની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા, તેઓ આજે સવારે પોતાની છકડો રિક્ષા લઈને તાલાલા સામાન લેવા જઈ રહ્યા હતા. તાલાલા અને ગુંદરણ ગીર વચ્ચેના માર્ગ પર અચાનક રિક્ષા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે છકડો રિક્ષા પલટી મારી ગઈ હતી.

ગંભીર ઈજાઓ અને હોસ્પિટલમાં મૃત જાહેર

અકસ્માત એટલો ભયાનક હતો કે રિક્ષા પલટી જતાં હસનભાઈને માથાના અંદરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત જોઈને રસ્તે પસાર થતા રાહદારીઓ તુરંત મદદે દોડી આવ્યા હતા અને માનવતાના નાતે ઇજાગ્રસ્ત હસનભાઈને તાત્કાલિક તાલાલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ તપાસ બાદ હસનભાઈને મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ, માથામાં થયેલી આંતરિક ગંભીર ઈજા તેમના મોતનું કારણ બની હતી.

આ પણ વાંચો:Ahmedabad: મહાશિવરાત્રિ મેળો 2026, જૂનાગઢમાં ઉમટનારા શ્રદ્ધાળુઓ માટે એસટી નિગમ સજ્જ