ગીર ગઢડા તાલુકાના દ્રોણ ગામ નજીકથી પસાર થતી મચ્છુન્દ્રી નદીના કિનારે એક બીમાર અને અશક્ત હાલતમાં માદા દીપડી મળી આવી હતી. સ્થાનિકો દ્વારા આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી, પરંતુ કમનસીબે દીપડીને સારવાર મળે તે પહેલા જ તેણે દમ તોડી દીધો હતો.
રેસ્ક્યુ દરમિયાન જ પ્રાણ પંખેરું ઉડી ગયું
ઘટનાની વિગતો મુજબ, મચ્છુન્દ્રી નદીના કિનારે એક માદા દીપડી અત્યંત બીમાર અને હલનચલન કરી શકે તેવી સ્થિતિમાં ન હોવાની જાણ વન વિભાગને થઈ હતી. વન વિભાગની રેસ્ક્યુ ટીમ પાંજરા અને જરૂરી સાધનો સાથે દીપડીને બચાવવા માટે પહોંચી હતી. જોકે, દીપડી એટલી હદે બીમાર અને અશક્ત હતી કે તેનું રેસ્ક્યુ કરવાની પ્રક્રિયા ચાલતી હતી તે દરમિયાન જ તેનું મોત નીપજ્યું હતું.
વૃદ્ધાવસ્થા અને બીમારી હોવાનું અનુમાન
વન વિભાગના પ્રાથમિક અનુમાન મુજબ, મૃતક માદા દીપડીની ઉંમર અંદાજે 11 વર્ષ જેટલી છે. વધુ ઉંમરના કારણે દીપડી શિકાર ન કરી શકતી હોય અથવા લાંબા સમયથી બીમાર હોવાને કારણે તે અશક્ત થઈ ગઈ હોવાનું મનાય છે. વન વિભાગે દીપડીના મૃતદેહનો કબજો મેળવીને તેને વધુ તપાસ માટે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે પોસ્ટમોર્ટમ (PM) માટે ખસેડી છે.
PM રિપોર્ટ બાદ સત્ય બહાર આવશે
દીપડીનું મોત કુદરતી છે કે અન્ય કોઈ બીમારીના કારણે, તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. ગીરના જંગલ વિસ્તારની બોર્ડર પર આવેલા આ ગામોમાં અવારનવાર વન્ય પ્રાણીઓ દેખાતા હોય છે, ત્યારે આ ઘટનાથી વન્યજીવ પ્રેમીઓમાં શોકની લાગણી ફેલાઈ છે.
આ પણ વાંચો: રાજ્યના TRB જવાનો માટે સરકારનો મોટો નિર્ણય, દૈનિક વેતનમાં 50 ટકાનો ધરખમ વધારો