વર્ષ 2026ના પ્રારંભિક દિવસોમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિર ખાતે શ્રદ્ધા અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. ભારતીય ઉદ્યોગ જગતના દિગ્ગજ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશભાઈ અંબાણી, રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક નીતાબેન અંબાણી અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંતભાઈ અંબાણીએ સહપરિવાર સોમનાથ દાદાના આશીર્વાદ લીધા હતા.
વેદોક્ત મંત્રોચ્ચાર સાથે પૂજા-અર્ચના
નૂતન વર્ષના મંગલ પ્રારંભે અંબાણી પરિવારે પરંપરાગત રીતે પૂજા-અર્ચના કરી હતી. સોમનાથ મંદિરમાં તેઓએ મહાદેવનો ગંગાજલ અભિષેક કર્યો હતો. આ અવસરે તેઓએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ 'કુલસોમેશ્વર મહા પૂજા' કરી હતી. આ ઉપરાંત, ભક્તોમાં અત્યંત મહત્વ ધરાવતી 'ધ્વજા પૂજા' અને 'પાઘ પૂજા' કરીને સમગ્ર રાષ્ટ્રની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
પ્રાચીન વિજ્ઞાનને વંદન
દર્શન બાદ અંબાણી પરિવારે સોમનાથ મંદિરના પટાંગણમાં આવેલા ઐતિહાસિક બાણ સ્તંભ’ની મુલાકાત લીધી હતી. પૃથ્વીના દક્ષિણ ધ્રુવ સુધીના અબાધિત સમુદ્રમાર્ગને દર્શાવતા આ વૈજ્ઞાનિક વારસાને નિહાળી અંબાણી પરિવારે ભારતની ભવ્ય વિરાસત પ્રત્યે ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.
લોકકલ્યાણ અર્થે ₹5 કરોડનું દાન
સેવા અને સમર્પણની ભાવના સાથે મુકેશભાઈ અંબાણીએ શ્રી સોમનાથ ટ્રસ્ટને રૂ. 5 કરોડનું દાન (શિવાર્પણ) કર્યું હતું. આ રકમનો ઉપયોગ મંદિર ટ્રસ્ટ દ્વારા ચાલતા લોક કલ્યાણના કાર્યો અને દેશ-વિદેશથી આવતા કરોડો શ્રદ્ધાળુઓની સુવિધાઓના વિકાસ માટે કરવામાં આવશે.આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના ઇન્ચાર્જ જનરલ મેનેજર પરેશભાઈ ચાવડાએ અંબાણી પરિવારનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું.
આ પણ વાંચો: ઉત્તરાયણ પર્વ પૂર્વે પોલીસ એક્શન મોડમાં, સંવેદનશીલ વિસ્તારોમાં 'ફ્લેગ માર્ચ' યોજી સુરક્ષાનો ભરોસો અપાયો