ગીરના જંગલોમાં વનરાજો પર તોળાઈ રહેલા એક ભેદી વાયરસના સંકટ અને ચિંતા વચ્ચે પ્રકૃતિ અને વન્યજીવ પ્રેમીઓ માટે એક ખૂબ જ સુખદ અને રાહત આપનારા સમાચાર સામે આવ્યા છે. એશિયાટીક સિંહોના ગઢ ગણાતા ગીર જંગલની મધ્યમાં વન વિભાગ દ્વારા બનાવવામાં આવેલા એક કૃત્રિમ વોટર પોઈન્ટ (કુંડ) પર એકસાથે 9 સિંહોનું આખું ટોળું પાણી પીવા ઉતરી આવ્યું હોય તેવો એક અદ્ભુત નજારો જોવા મળ્યો છે. સિંહોના આ શાહી પરિવારનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.
વાયરસના ભય વચ્ચે વનરાજનો વટ
છેલ્લા કેટલાક સમયથી ગીરના સિંહોમાં કોઈ અજ્ઞાત કે ભેદી વાયરસ ફેલાયો હોવાની આશંકાઓ અને વન વિભાગની ચિંતા વચ્ચે આ વાયરલ વીડિયોએ વન્યજીવ પ્રેમીઓમાં નવી આશા જગાવી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કાળઝાળ ગરમી વચ્ચે જંગલની શાંતિને ચીરતા વનરાજ પોતાના આખા પરિવાર સાથે પાણીની તલાશમાં નીકળ્યા છે. જંગલની વચ્ચે પથ્થરોથી બનેલા પાણીના કુંડ પર એક-બે નહીં પરંતુ લાઈનબદ્ધ રીતે ગોઠવાયેલા 9 સિંહો એકસાથે શાંતિથી પાણી પી રહ્યા છે, જે ગીરની અસ્મિતા અને સિંહોની ભવ્યતા દર્શાવે છે.













