કુદરતી સૌંદર્યથી ભરપૂર ગીર સોમનાથ જિલ્લાનો સુપ્રસિદ્ધ જમજીર ધોધ પ્રવાસીઓ માટે જેટલો આકર્ષક છે, એટલો જ તે કપટી અને જોખમી સાબિત થઈ રહ્યો છે. હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જમજીર ધોધનો એક અત્યંત ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે, જેણે સ્થાનિક પ્રશાસનની ઊંઘ હરામ કરી દીધી છે. આ વીડિયોમાં કેટલાક ઉત્સાહી યુવાનો કાયદા કે મોતના ડર વગર ધોધની પથરાળ ટોચ પરથી સીધી શિંગોડા નદીના ઊંડા અને જોખમી પાણીમાં હાઈ-ડાઈવિંગ (છલાંગ) લગાવતા નજરે પડી રહ્યા છે. આ વીડિયો કેટલો જૂનો છે તેની પુષ્ટિ થઈ નથી, પરંતુ તેણે પ્રવાસીઓની સુરક્ષા સામે મોટા સવાલો ઊભા કર્યા છે.
ભૂતકાળમાં સેલિબ્રિટીઝ પણ ભેરવાઈ છે
સોશિયલ મીડિયા પર લાઈક્સ અને ફોલોઅર્સ મેળવવા માટે પ્રતિબંધિત વિસ્તારમાં ઘૂસવાની આ કોઈ પહેલી ઘટના નથી. થોડા સમય પહેલાં જ ગાંધીનગરના કલોલની પ્રખ્યાત સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને ૯ લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતી મોડલ પૂજા પ્રજાપતિ અને તેની બહેનપણીઓ સામે જોખમી રીલ્સ બનાવવા બદલ ગુનો નોંધાયો હતો. અધિક કલેક્ટર રાજેશ આલ અને ડીવાયએસપી મહાદેવ ચૌધરીના આદેશથી કોડીનાર પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 223 (જાહેરનામાનો ભંગ) હેઠળ કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત, આશરે 11 મહિના પહેલાં જાણીતી એક્ટ્રેસ ઝીલ જોષી સામે પણ આ જ સ્થળે ગેરકાયદેસર વીડિયો શૂટ કરવા બદલ કાયદાનો સિકંજો કસાયો હતો.










