પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના સાનિધ્યમાં આજે 'સ્વાભિમાન પર્વ'ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ પવિત્ર અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મંદિરના દર્શનાર્થે પહોંચ્યા છે, જ્યાં સમગ્ર વાતાવરણ ભક્તિમય અને ઉત્સાહપૂર્ણ બની ગયું છે.


દિગ્વિજય દ્વાર પર ભવ્ય સ્વાગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સોમનાથ મંદિર પરિસરમાં પ્રવેશ્યા ત્યારે સોમનાથ ટ્રસ્ટ અને સ્થાનિક સાધુ-સંતો દ્વારા તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મંદિરના દિગ્વિજય દ્વાર પાસે મોટી સંખ્યામાં ઉપસ્થિત સાધુ-સંતોએ મંત્રોચ્ચાર અને આશીર્વાદ સાથે પીએમનું અભિવાદન કર્યું હતું. આ તકે વડાપ્રધાનની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા.

મોદી-મોદીના નાદથી ગુંજ્યું પરિસર

વડાપ્રધાનની એક ઝલક મેળવવા માટે મંદિર પરિસરમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. પીએમના આગમન સાથે જ આખું સોમનાથ મંદિર પરિસર "મોદી મોદી" ના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યું હતું. વડાપ્રધાને પણ હાથ હલાવીને જનમેદનીનું અભિવાદન સ્વીકાર્યું હતું.

ૐ કાર અનુષ્ઠાનમાં સહભાગી

સોમનાથ મંદિરમાં હાલ વિશેષ ૐ કાર (ઓમકાર) અનુષ્ઠાન ચાલી રહ્યું છે. વડાપ્રધાન મોદી આ અનુષ્ઠાનમાં સહભાગી બન્યા હતા અને તેમણે અત્યંત શ્રદ્ધાપૂર્વક ઓમકાર મંત્રના જાપ કર્યા હતા. આ આધ્યાત્મિક વિધિ દ્વારા તેમણે રાષ્ટ્રની સમૃદ્ધિ અને શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

ટેકનોલોજી અને ભક્તિનો સંગમ

દર્શન અને પૂજા-અર્ચના બાદ વડાપ્રધાન સોમનાથ મંદિરના ઇતિહાસને આલેખતો ભવ્ય ડ્રોન શો નિહાળશે. આધુનિક ટેકનોલોજીના માધ્યમથી આકાશમાં સોમનાથની ગાથાના દ્રશ્યો કંડારવામાં આવશે, જે આ પર્વનું મુખ્ય આકર્ષણ છે.


આ પણ વાંચો: સોમનાથનો વિવાદાસ્પદ ઇતિહાસ, ઇતિહાસકાર ચંદ્રશેખર પાટીલે નહેરુ પરિવાર અને મંદિર આક્રમણ અંગે કર્યા મોટા ખુલાસા

  • Follow us on: