ગીર-સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં ગઈ મોડી રાત્રે અને વહેલી સવારે ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. સિસ્મોલોજી વિભાગના જણાવ્યા અનુસાર, તાલાલામાં ટૂંકા સમયગાળામાં બે વખત ધરતી ધ્રુજી હતી. પ્રથમ આંચકો મોડી રાત્રે 1:38 કલાકે અનુભવાયો હતો, જેની તીવ્રતા 1.6 નોંધાઈ હતી.

રાત્રે ધરતી ધ્રુજી

મહત્વનું છે કે, ત્યાર બાદ વહેલી સવારે 4:43 કલાકે બીજો આંચકો પણ અનુભવાયો હતો, જેની તીવ્રતા 1.4 હતી. આ બંને આંચકાનું કેન્દ્રબિંદુ તાલાલાથી માત્ર 10 કિલોમીટર દૂર નોર્થ-ઇસ્ટ (ઉત્તર-પૂર્વ) દિશામાં નોંધાયું છે. ભૂકંપની તીવ્રતા ઓછી હોવા છતાં, એક જ રાતમાં બે વખત આંચકા આવવાના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જોકે, આ આંચકાને કારણે કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના સમાચાર નથી.