ગીર સોમનાથ જિલ્લાના તાલાલા શહેરમાં મહિલા કોર્પોરેટરના પુત્ર પર જીવલેણ હુમલો થતાં ભયનો માહોલ સર્જાયો હતો. આંબેડકર નગર વિસ્તારમાં બનેલી ઘટનામાં વિજય સોંદરવા પર ત્રણ શખ્સોએ છરીથી હુમલો કર્યો હતો. બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા આરોપીઓએ વિજય પર પ્રહાર કર્યો હતો. હુમલામાં તેના હાથ અને પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
ત્રણેય હુમલાખોરોને પકડી લેવાયા
ઘટનાની જાણ થતાં જ તાલાલા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વેરાવળથી DYSP પણ દોડી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં જાતિપ્રત્યે અપમાન અને ગાળાગાળીના આક્ષેપો સામે આવતા પોલીસે એસ્ટ્રોસિટી એક્ટ, જીવલેણ હુમલો અને જાહેરનામા ભંગ સહિતના ગુનાઓ દાખલ કર્યા છે. હુમલા બાદ ત્રણેય આરોપી ફરાર થઈ ગયા હતા. જોકે, ગીર સોમનાથ LCBએ ઝડપી કાર્યવાહી કરતાં જૂનાગઢમાંથી ત્રણેય આરોપીઓને દબોચી લીધા છે. આરોપીઓએ નશો કરીને હુમલો કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું છે કે કાયદેસરની કાર્યવાહી કડકાઈથી હાથ ધરવામાં આવશે.













