ગીર સોમનાથ જિલ્લાના આંકોલવાડી વિસ્તારમાં એક શિક્ષકને હનીટ્રેપમાં ફસાવી તેમનો નગ્ન વીડિયો ઉતારી બ્લેકમેઇલ કરવાની અત્યંત ગંભીર ઘટના સામે આવી છે. જોકે, શિક્ષકની હિંમત અને તાલાલા પોલીસની સક્રિયતાને કારણે ખંડણીખોર ગેંગના ચાર સભ્યો હવે જેલના સળિયા પાછળ ધકેલાયા છે.
આંકોલવાડીમાં શિક્ષક હનીટ્રેપનો ભોગ બન્યા
ભોગ બનનાર શિક્ષકના જણાવ્યા મુજબ, આરોપીઓએ તેમને જાળમાં ફસાવી કોઈ નશીલો પદાર્થ પીવડાવી દીધો હતો. ત્યારબાદ શિક્ષકની શારીરિક સ્થિતિનો લાભ ઉઠાવી તેમનો નગ્ન વીડિયો ઉતારી લેવામાં આવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ ન કરવાના બદલામાં આરોપીઓએ 7 લાખ રૂપિયાની મોટી રકમની ખંડણી માંગી હતી.
પ્રેસ રિપોર્ટર બની આપતા હતા ધમકી
આ કેસમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આરોપીઓ પોતાની ઓળખ 'પ્રેસ રિપોર્ટર' તરીકે આપી બ્લેકમેઇલ કરતા હતા. તેમણે શિક્ષકને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. અંતે ભીંસ વધતા 2.5 લાખ રૂપિયામાં સોદો નક્કી થયો હતો, જેમાંથી 50 હજાર રૂપિયાનો પ્રથમ હપ્તો આરોપીઓએ વસૂલ પણ કરી લીધો હતો.
તાલાલા પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડ્યા
શિક્ષકે આખરે ડર્યા વગર તાલાલા પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે છટકું ગોઠવી વડવિયાળા ગામના ચાર શખ્સોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેમના 1 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આ ગેંગે અગાઉ અન્ય કોઈ લોકોને આ રીતે શિકાર બનાવ્યા છે કે કેમ.
આ પણ વાંચો: Surat: ટ્રાન્સપોર્ટ ચેરમેનનું બસમાં ઓચિંતું નિરીક્ષણ, બેદરકાર કર્મચારીઓને ઘરભેગા કર્યા