સુરત મહાનગરપાલિકા દ્વારા ચાલતી BRTS અને સીટી બસ સેવામાં સુધારો લાવવા અને શિસ્ત જાળવવા માટે ટ્રાન્સપોર્ટ ચેરમેન સોમનાથ મરાઠેએ આજે સવારથી જ આક્રમક વલણ અપનાવ્યું હતું. તેમણે શહેરના વિવિધ રૂટ પર દોડતી બસોમાં કોઈ પણ આગોતરી જાણ વગર 'સરપ્રાઇઝ ચેકિંગ' હાથ ધરીને કર્મચારીઓમાં ફફડાટ ફેલાવી દીધો હતો.


ગ્રાઉન્ડ પર ચેકિંગ અને કાર્યવાહી

ચેકિંગ દરમિયાન સોમનાથ મરાઠેએ બસમાં ચઢીને મુસાફરો પાસે રહેલી ટિકિટોની તપાસ કરી હતી. આ ઉપરાંત, તેમણે બસના ડ્રાઈવર અને કંડક્ટર પાસે તેમના સત્તાવાર આઈડેન્ટિટી કાર્ડ (આઈકાર્ડ) માંગ્યા હતા. શિસ્તના ભંગ બદલ તેમણે સ્થળ પર જ નીચે મુજબની કાર્યવાહી કરી હતી.એક બસમાં કંડક્ટર નિયત યુનિફોર્મ વગર ફરજ બજાવતો મળી આવતા તેને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી. અન્ય એક કંડક્ટર પાસે આઈડી કાર્ડ કે જરૂરી પુરાવા ન મળતા તેને તાત્કાલિક અસરથી 7 દિવસ માટે સસ્પેન્ડ કરવાનો આદેશ અપાયો હતો.ચેકિંગ દરમિયાન ટિકિટ ચેકરની કામગીરીમાં પણ ઘોર બેદરકારી જણાઈ આવતા, તેને પણ 7 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.

વહીવટી તંત્રની કડક ચેતવણી
 ટ્રાન્સપોર્ટ ચેરમેને સ્પષ્ટ કર્યું હતું કે મુસાફરોની સુવિધામાં કોઈ પણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. બસના સ્ટાફે યુનિફોર્મ અને આઈકાર્ડ સાથે ફરજ બજાવવી અનિવાર્ય છે. આગામી સમયમાં પણ આ પ્રકારની ચેકિંગ ડ્રાઈવ ચાલુ રહેશે અને જો કોઈ ગેરરીતિ કે બેદરકારી જણાશે તો વધુ કડક પગલાં લેવામાં આવશે.

આ પણ વાંચો: Palanpur: જગાણા માર્ગ પર તંત્રનું મેગા ઓપરેશન, 15 પાકા દબાણો પર બુલડોઝર ફરી વળ્યું


  • Follow us on: