દેશના ગૃહ મંત્રી અમિત શાહ આજે સાંજે સોમનાથ ખાતે આવી પહોંચ્યા છે. સોમનાથ હેલિપેડ પર તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
પુષ્પગુચ્છ આપી તેમનું અભિવાદન કરાયું
વહીવટી તંત્ર તરફથી એસ.પી. જાડેજા અને જિલ્લા કલેક્ટર ઉપાધ્યાયે પુષ્પગુચ્છ આપી તેમનું અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે રાજ્ય મંત્રી પ્રદ્યુમન વાજા, સાંસદ રાજેશ ચુડાસમા અને જિલ્લા ભાજપ અધ્યક્ષ ડો. સંજય પરમાર સહિતના ભાજપના અગ્રણી નેતાઓ પણ હાજર રહ્યા હતા.
પરિવાર સાથે સર્કિટ હાઉસમાં રોકાણ
હેલિપેડથી અમિત શાહ સીધા સોમનાથ સર્કિટ હાઉસ જવા રવાના થયા હતા. માર્ગમાં અને સર્કિટ હાઉસ ખાતે ભાજપના કાર્યકરો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, અમિત શાહની સાથે તેમનો પરિવાર પણ સોમનાથ પહોંચ્યો છે. તેઓ આજે રાત્રે સર્કિટ હાઉસ ખાતે જ રોકાણ કરશે, જ્યાં તેઓ સ્થાનિક નેતાઓ સાથે ટૂંકી મુલાકાત પણ કરી શકે છે.
આવતીકાલે પૂજા-અર્ચના
ગૃહ મંત્રીના કાર્યક્રમ મુજબ, આવતીકાલે વહેલી સવારે તેઓ પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના મંદિરે પહોંચશે. ત્યાં તેઓ ભગવાન સોમનાથની વિશેષ પૂજા અને જળાભિષેક કરશે. દેશની સુખાકારી માટે પ્રાર્થના કર્યા બાદ અને સવારે 11 વાગ્યાની આસપાસ દર્શન વિધિ પૂર્ણ કર્યા બાદ તેઓ પરત રવાના થશે.
સોમનાથમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો
અમિત શાહ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પણ છે, તેથી તેમની આ મુલાકાત ધાર્મિક રીતે મહત્વની માનવામાં આવે છે. ગૃહ મંત્રીના આગમનને પગલે સોમનાથમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને મંદિર પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે.
આ પણ વાંચો---- Bharuch : ઝઘડિયા GIDC આગ દુર્ઘટનામાં કામદારનું મોત, ચૈતર વસાવા અને મૃતકના પરિવારજન વચ્ચે સામ સામે લાફાવાળી