ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામમાં દીપડાના હુમલાની એક ભયાનક ઘટના સામે આવી છે. વન્ય પ્રાણીઓના રહેણાંક વિસ્તારોમાં વધતા જતા પ્રવેશને કારણે સ્થાનિક ખેડૂતોમાં સતત ભયનો માહોલ રહે છે, ત્યારે આજે ખેતરમાં કામ કરી રહેલા ખેતરમાં કામ કરી રહેલા એક નિર્દોષ ખેડૂત પર દીપડાએ હિંસક હુમલો કર્યો હતો.


પીઠના ભાગે વાગતા લોહી લુહાણ બન્યા

મળતી માહિતી અનુસાર સૈયદ રાજપરા ગામના એક ખેડૂત પોતાની વાડીએ કામ કરી રહ્યા હતા, ત્યારે ઓચિંતા ત્રાટકેલા દીપડાએ તેમના પર હુમલો કરી દીધો હતો. દીપડાએ ખેડૂતને દબોચી લેતા તેમને હાથ, ખભા અને પીઠના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ખેડૂતે બચાવ માટે બૂમરાણ મચાવતા આસપાસના લોકો દોડી આવ્યા હતા, જેને પગલે દીપડો ખેડૂતને લોહીલુહાણ હાલતમાં છોડીને ઝાડીઓમાં ગાયબ થઈ ગયો હતો.

દીપડાના આતંકથી ગામમાં ભયનો માહોલ

હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા ખેડૂતને તાત્કાલિક અસરથી લોહીલુહાણ હાલતમાં સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હાલ ડોક્ટરોની ટીમ દ્વારા તેમની સારવાર કરવામાં આવી. બીજી તરફ આ ઘટનાના સમાચાર ફેલાતા ગામના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતોમાં પણ ફાળ પડી છે કે જો દિવસે પણ દીપડા હુમલા કરતા હોય તો ખેતરમાં કામ કેવી રીતે કરી શકાશે?

દીપડાને પાંજરે પૂરવા કરાઇ માગ

આ ઘટનાને પગલે સ્થાનિકોમાં વન વિભાગ પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોની માંગ છે કે આદમખોર બનેલા દીપડાને પાંજરે પૂરવા માટે વન વિભાગ તાત્કાલિક પાંજરું ગોઠવે અને આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારે. ઉલ્લેખનીય છે કે ગીરના સરહદી ગામોમાં અવારનવાર આવી ઘટનાઓ બને છે.

આ પણ વાંચોઃ Amreli: મીડિયાના અહેવાલ બાદ ખાંભા ગીરમાં પશુઓના ખરવા રોગ સામે તંત્ર એક્શન મોડમાં


  • Follow us on: