અમરેલી જિલ્લાના ખાંભા ગીર પંથકમાં છેલ્લા કેટલાક સમયથી પશુઓમાં 'ખરવા' નામનો ચેપી રોગ ફેલાતા પશુપાલકો અને માલધારીઓમાં ભારે ચિંતા જોવા મળી રહી હતી. ગાય અને ભેંસ જેવા પશુઓમાં આ રોગના લક્ષણો જણાતા પશુઓના પગમાંથી લોહી નીકળવું અને મોઢામાં ચાંદા પડવા જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. આ બીમારીને કારણે અબોલ જીવો કંઈ ખાઈ-પી શકતા નહોતા, જેની સીધી અસર દૂધના ઉત્પાદન પર પડતા માલધારીઓની આર્થિક સ્થિતિ પણ જોખમમાં મુકાઈ હતી.


સંદેશ ન્યૂઝની પહેલ અને તંત્રની કામગીરી

પશુપાલકોની આ ગંભીર સમસ્યાને સંદેશ ન્યૂઝ ચેનલ દ્વારા પ્રમુખતાથી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. અહેવાલના માધ્યમથી માલધારીઓની વેદના સરકાર અને વહીવટી તંત્ર સુધી પહોંચાડવામાં આવી હતી. આ સમાચારની વ્યાપક અસર જોવા મળી અને ઊંઘતું ઝડપાયેલું પશુપાલન વિભાગ તાત્કાલિક હરકતમાં આવ્યું હતું.

તપાસના આદેશ અને સેમ્પલિંગ

અમરેલી જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા ખાંભા પંથકમાં તાત્કાલિક તપાસના આદેશો જારી કરવામાં આવ્યા હતા. પશુ ચિકિત્સકોની ટીમો બનાવીને અસરગ્રસ્ત ગામોમાં મોકલવામાં આવી હતી. વિભાગ દ્વારા નીચે મુજબની કામગીરી હાથ ધરાઈ.

બીમાર ગાય અને ભેંસોનું સ્કેનિંગ કરવામાં આવ્યું

રોગના ચોક્કસ કારણો જાણવા માટે પશુઓના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા.માલધારીઓને રોગના અટકાવ અને સારવાર અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. મીડિયાના અહેવાલ બાદ તંત્ર દ્વારા લેવાયેલા આ ત્વરિત પગલાંથી સ્થાનિક પશુપાલકોએ રાહતનો શ્વાસ લીધો છે. હાલમાં વિભાગ દ્વારા પરિસ્થિતિ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે જેથી રોગને વધુ ફેલાતો અટકાવી શકાય.

આ પણ વાંચોઃ આકાશમાં ગુજરાતનો ડંકો, સંસ્કારધામના નાના વૈજ્ઞાનિકોની મોટી ઉડાન! સ્ટુડન્ટ સેટેલાઇટ લોન્ચ કરાશે


  • Follow us on: