જાહેરનામાં વિના રસ્તા બંધ કરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે અને ગામ અને સોમનાથ મંદિર પરિસર વચ્ચે સીધો સંપર્ક તૂટ્યો છે જેના કારણે વેપારીઓને પણ મોટું નુકસાન થવાની શકયતાઓ છે અને ધંધા પણ ઠપ પડી શકે છે, હિત રક્ષક સમિતિએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે અને જાહેર ઉપયોગમાં રહેલા રસ્તાઓ બંધ થતા સ્થાનિકોમાં પણ રોષ છે.
પ્રભાસ પાટણ ગામ અને સોમનાથ મંદિર પરિસર વચ્ચે સીધો સંપર્ક તૂટ્યો
શ્રીસોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રભાસ પાટણ ગામને જોડતા સદીઓ જૂના રસ્તાઓ રાતોરાત બંધ કરાયા હોવાની વાત છે, દિગ્વીજય દ્વાર તેમજ અહલ્યાબાઈ હોલ્કર નિર્મિત જુના સોમનાથ મંદિર સાથે જોડાતા રસ્તાઓ પર સિમેન્ટની દીવાલો ઉભી કરાઈ છે અને સ્થાનિકોને દીવાલ ચણવાને લઈ કોઈ આગોતરી જાણ કે જાહેરનામા વિના રસ્તા બંધ કરાતા સ્થાનિકો પણ લડી લેવાના મૂડમાં છે, પ્રભાસ પાટણ ગામ અને સોમનાથ મંદિર પરિસર વચ્ચે સીધો સંપર્ક તૂટ્યો છે અને યાત્રાળુઓનો પ્રભાસ પાટણ બજારમાં આવાગમન અટકતા વેપાર-ધંધાને મોટું નુકસાન થઈ શકે છે.
વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાની જાણ વિના રસ્તા બંધ કરાયા હોવાનો દાવો
દૈત્યસુદનજીની હવેલી, સૂર્યમંદિર મ્યુઝિયમ અને જૈન દેરાસરો સુધી પહોંચવામાં મુશ્કેલી થશે અને આરોગ્ય આપત્તિ સમયે એમ્બ્યુલન્સ અને આગના બનાવે ફાયર ફાઈટર પહોંચવામાં ગંભીર જોખમ છે, પ્રભાસ હીત રક્ષક સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયને આવેદનપત્ર પણ આપશે, “100 વર્ષથી વધુ સમયથી જાહેર ઉપયોગમાં રહેલા રસ્તાઓ મનસ્વી રીતે બંધ”થયો છે તેવું સમિતિનું કહેવું છે, મંદિર ટ્રસ્ટના સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈ પર આકરા પ્રહાર કર્યા છે, ઈઝમેન્ટ રાઈટ અને મૂળભૂત અધિકારો છીનવાયા હોવાનો આરોપ પણ કરાયો છે.
ગ્રામજનોની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચ્યાનો આક્ષેપ
આગામી 3 દિવસમાં રસ્તા ખુલ્લા કરવાની માગ સ્થાનિકોએ અને વેપારીઓએ કરી છે, દીવાલો અને આડશો તાત્કાલિક દૂર કરવા જિલ્લા વહીવટીતંત્રને અપીલ કરાઈ છે અને જો રસ્તા નહીં ખુલ્લા થાય તો આંદોલનની ચીમકી પણ સ્થાનિકો અને વેપારીઓએ ઉચ્ચારી છે.









