ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં લાઇબ્રેરી ચોક ખાતે બાંધકામની એક કરુણ દુર્ઘટનામાં બે શ્રમિકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. દુકાનના ચણતરનું કામ ચાલી રહ્યું હતું, તે દરમિયાન અચાનક દિવાલ ધરાશાયી થતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનાની પ્રાથમિક માહિતી અનુસાર, ઉના લાયબ્રેરી ચોક વિસ્તારમાં આવેલી એક દુકાનના બાંધકામ અથવા રિપેરિંગનું કામ ચાલી રહ્યું હતું. ચણતર દરમિયાન અચાનક જ દુકાનની એક દિવાલ મોટા અવાજ સાથે ધરાશાયી થઈ ગઈ હતી. આ દુર્ઘટના સમયે નજીકમાં કામ કરી રહેલા બે શ્રમિકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા.
દટાયેલા બંને શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા
સ્થળ પર હાજર અન્ય લોકોએ અને સ્થાનિકોએ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી અને દટાયેલા બંને શ્રમિકોને બહાર કાઢ્યા હતા. જોકે, તેમને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી, તાત્કાલિક સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. દુર્ભાગ્યે, હોસ્પિટલના ડૉક્ટરોએ બંને શ્રમિકોને મૃત જાહેર કર્યા હતા.













