આ મહોત્સવ માત્ર એક ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ સોમનાથના એક હજાર વર્ષના સંઘર્ષ, બલિદાન અને પુનઃનિર્માણની અપ્રતિમ ગાથાને નવી પેઢી સુધી પહોંચાડવાનું એક માધ્યમ છે. આ પર્વમાં જોડાવા માટે રાજ્ય સરકાર દ્વારા ચાર મહાનગરોથી વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી છે. જેના ભાગરૂપે આજે રાજકોટથી વિશેષ ટ્રેન સોમનાથ રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચી હતી. 'હર હર ભોલે' અને 'જય સોમનાથ'ના ગગનભેદી નાદથી સમગ્ર સ્ટેશન પરિસર ગૂંજી ઉઠ્યું હતું.
સોમનાથનો ઇતિહાસ એ વિનાશ સામે સર્જનના વિજયની કથા છે
૧૦૨૬માં મહમદ ગઝનવીના આક્રમણથી લઈને સદીઓ સુધી વિદેશી આક્રમણખોરોએ આસ્થાના આ કેન્દ્રને ખંડિત કરવા પ્રયાસો કર્યા, પરંતુ દરેક વખતે ભારતવર્ષના વીરોએ પોતાના રક્તથી આ ધરતીનું રક્ષણ કર્યું છે. આ પર્વ દ્વારા હમીરજી ગોહિલ અને વેગડાજી ભીલ જેવા અગણિત શહીદોના બલિદાનને અંજલિ આપવામાં આવી રહી છે. શ્રદ્ધાળુઓ માટે આ માત્ર દર્શન નથી, પણ પૂર્વજોના સંઘર્ષની સ્મૃતિ પણ છે. ઉલ્લેખનીય છે કે, આગામી ત્રણ દિવસ સુધી સોમનાથ ખાતે વિવિધ કાર્યક્રમો દ્વારા સોમનાથની પૌરાણિક ગાથા રજૂ કરવામાં આવશે. ૧૧ જાન્યુઆરી સુધી ચાલનારા આ મહોત્સવમાં અમદાવાદ, સુરત અને વડોદરાથી પણ શ્રદ્ધાળુઓ વિશેષ ટ્રેન મારફતે સોમનાથના સાનિધ્યમાં ઉમટી પડશે.
