ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ શહેરમાંથી ધોળે દિવસે ફાયરિંગની એક અત્યંત ચકચારી ઘટના સામે આવી છે. શહેરના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં આવેલા હાર્દસમા વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે સીધી ગોળી વાગતાં તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. ચાલુ દિવસે અને ભરચક વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે સનસનાટી મચી ગઈ છે.
શાળા નજીક બપોરે હુમલો
મળતી વિગતો મુજબ, આ ઘટના બપોરે આશરે 1 વાગ્યાના સુમારે સોમનાથ ટોકીઝ વિસ્તારમાં આવેલી આઈ. ડી. ચૌહાણ સ્કૂલ પાસે બની હતી. જાવીદ તાજવાની જ્યારે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ટાર્ગેટ કરીને તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ગોળીનો અવાજ થતાં જ આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. ગંભીર રીતે ઘવાયેલા જાવીદભાઈને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
