ગીર સોમનાથના પવિત્ર સાનિધ્યમાં આવેલા સદભાવના ગ્રાઉન્ડ ખાતે આયોજિત નેશનલ હેન્ડબોલ ટુર્નામેન્ટમાં ગુજરાતની અંડર-17 ગર્લ્સ ટીમે ઈતિહાસ રચી દીધો છે. 19 થી 23 જાન્યુઆરી દરમિયાન યોજાયેલી આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં દેશભરના 31 રાજ્યોની ટીમોએ ભાગ લીધો હતો. અત્યંત રસાકસીભરી ફાઈનલ મેચમાં ગુજરાતની દીકરીઓએ મજબૂત ગણાતી પંજાબની ટીમને હરાવીને રાષ્ટ્રીય ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. સોમનાથમાં પ્રથમ વખત આ સ્તરની નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 600થી વધુ ખેલાડીઓએ પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું.
નેશનલ ગેમ્સનું શાનદાર આયોજન
આ ઐતિહાસિક વિજય બાદ મેદાન પર ઉત્સાહનું મોજું ફરી વળ્યું હતું. વિજયી બનેલી ગુજરાતની દીકરીઓએ હાથમાં તિરંગો લઈ ગરબે ઘૂમીને પોતાની જીતની ભવ્ય ઉજવણી કરી હતી. કાશ્મીરથી કન્યાકુમારી સુધીના ખેલાડીઓની હાજરીમાં ગુજરાતે પોતાની રમતની તાકાત બતાવી દેશનું ધ્યાન ખેંચ્યું છે. સ્થાનિકો અને રમતપ્રેમીઓએ સોમનાથના આંગણે આયોજિત આ ટુર્નામેન્ટની સફળતા અને ગુજરાતના વિજયને વધાવી લીધો છે. રાજ્ય સરકાર અને રમતગમત વિભાગે પણ ખેલાડીઓની આ સિદ્ધિને બિરદાવી ભવિષ્ય માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું છે.













