ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ગોરખમઢી ગામે આવેલા સુપ્રસિદ્ધ અંબે માતાજીના મંદિરમાં થયેલી ચોરીની ઘટનામાં પોલીસે સપાટો બોલાવ્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા અને એલસીબી પીઆઈ જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ, લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીની કલાકોમાં જ બે રીઢા તસ્કરોને મુદ્દામાલ સાથે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

વેરાવળ બંદર રોડ પરથી ફિલ્મી ઢબે ધરપકડ

ચોરીની ઘટના બનતા જ એલસીબીની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોને સક્રિય કર્યા હતા. તપાસ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે ચોરી કરનાર શખ્સો કારમાં વેરાવળ બંદર રોડ પરથી પસાર થવાના છે. પોલીસે વોચ ગોઠવીને મારુતિ સુઝુકી સેલેરિયો કાર સાથે બે આરોપીઓને આંતર્યા હતા. તેમની તલાશી લેતા કારમાંથી મંદિરમાંથી ચોરાયેલા સોનાના ઝુમર અને નથડી મળી આવ્યા હતા.

2.33 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

પોલીસે આરોપીઓ પાસેથી સોનાના ઘરેણાં, સેલેરિયો કાર, મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ રૂ. 2,33,500 થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ ટોળકીએ માત્ર ગોરખમઢી જ નહીં, પરંતુ રાજ્યભરના અનેક મંદિરોમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી છે.

આ પણ વાંચો: Navsari: ચીખલીના ખાંભડામાં દીપડાનો આતંક, ખેતરમાં કામ કરતા ખેડૂત પર જીવલેણ હુમલો