ગીર સોમનાથ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં અવારનવાર સિંહો અને દીપડાઓ શિકારની શોધમાં આવી ચઢતા હોય છે. પરંતુ ગીરગઢડાના થોરડી ગામે દીપડાએ જે રીતે માનવીઓ પર હિંસક હુમલા કરવાનું શરૂ કર્યું છે, તેનાથી ગ્રામજનોમાં ભારે રોષ અને ફફડાટ છે. વાડી વિસ્તારમાં બપોરના સમયે જ્યારે ખેડૂતો પોતાના દૈનિક કામમાં વ્યસ્ત હતા, ત્યારે ઘાત લગાવીને બેઠેલા દીપડાએ લોહીલુહાણ હુમલો કર્યો હતો.
કેળાની વાડીમાં કાકા-ભત્રીજા પર ત્રાટક્યો કાળ
મળતી માહિતી મુજબ, થોરડી ગામની સીમમાં આવેલા કેળાના એક ઘટાદાર બગીચામાં સગા કાકા અને ભત્રીજા ખેતીકામ તેમજ કેળાના લૂમ ઉતારવાનું કામ કરી રહ્યા હતા. કેળાના મોટા પાંદડાઓની આડમાં છુપાયેલો દીપડો અચાનક નખ અને દાંત વડે કાકા-ભત્રીજા પર તૂટી પડ્યો હતો. બંનેએ બચવા માટે પ્રતિકાર કર્યો અને બૂમાબૂમ કરી મૂકી હતી. આ અવાજ સાંભળીને બાજુની વાડીમાં કામ કરી રહેલા અન્ય એક ખેડૂત દોડીને આવ્યા હતા. જોકે, ગુસ્સે ભરાયેલા દીપડાએ તે ખેડૂતને પણ ન છોડતા તેમના પર પણ હિંસક હુમલો કરી શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.










