સુરેન્દ્રનગર-વઢવાણ સંયુક્ત મહાનગરપાલિકાના અધિકારીઓ અને એન્જિનિયરોમાં સ્થાનિક ઇતિહાસ પ્રત્યે કેટલી સંવેદનશીલતા છે, તેની પોલ વઢવાણના સતવારાપરા વિસ્તારમાં ખુલી ગઈ છે. ફૂલવાડી મેઈન રોડ પર રસ્તા નડતર દબાણો દૂર કરવા નીકળેલી મનપાની દબાણ હટાવ સેલની ટીમે કોઈ પણ પ્રકારના પૂર્વ પ્લાનિંગ કે હેરીટેજ બોર્ડની મંજૂરી વિના જ રાજાશાહી સમયના કૂવા પર જેસીબી (JCB) મશીન ચલાવી દીધું હતું.


દીવાલો અને પ્રાચીન બોર્ડ તોડી પડાયા

સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, આ કૂવો રાજાશાહી સમયમાં સમગ્ર વિસ્તાર માટે પીવાના પાણીનો મુખ્ય આધાર સ્ત્રોત હતો અને લોકોની આસ્થા તેમજ સંસ્કૃતિ તેની સાથે જોડાયેલી છે. મનપાના કર્મચારીઓએ કૂવાની મજબૂતાઈ આપતી આસપાસની જૂની દીવાલો અને કૂવાના ઇતિહાસની સાક્ષી પૂરતા બોર્ડ સહિતના હિસ્સાને નિર્દયતાપૂર્વક તોડી પાડ્યો હતો. આસપાસના લોકોને જેવી ખબર પડી કે મનપા આપણી પ્રાચીન ધરોહરને નુકસાન પહોંચાડી રહી છે, કે તુરંત જ સેંકડો લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને મનપાની કામગીરી અટકાવી દીધી હતી.

મૂળ સ્વરૂપે કૂવાને બેસાડવાની લોક માગ

આ ઘટનાને પગલે વાગડ અને ઝાલાવાડના હેરીટેજ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વઢવાણના સતવારાપરાના અગ્રણીઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "વિકાસ અને દબાણ હટાવવાના નામે તમે વઢવાણના સેંકડો વર્ષ જૂના ઇતિહાસને બુલડોઝરથી તોડી ન શકો. આવા સંવેદનશીલ સ્થળો પર ઓપરેશન કરતા પહેલા મનપાના ઉચ્ચ અધિકારીઓએ પંચનામું કરવું જોઈએ અથવા ઇતિહાસકારોની સલાહ લેવી જોઈએ."

આપણી પ્રાચીન ધરોહરને નુકસાન પહોંચાડી

હાલ સ્થાનિકોએ એકઠા થઈને મનપાના ચીફ ઓફિસર/કમિશનર સમક્ષ લેખિત આક્રોશ પત્ર પાઠવ્યો છે. જેમાં માંગ કરવામાં આવી છે કે આ તોડફોડ માટે જે પણ વહીવટી અધિકારી કે જેસીબી ચાલક જવાબદાર હોય તેની સામે તાત્કાલિક કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે અને મહાનગરપાલિકા પોતાના ખર્ચે આ ઐતિહાસિક કૂવાને ફરીથી તેના મૂળ પુરાતત્વીય સ્વરૂપમાં રિપેર કરી તેનું કાયમી સંરક્ષણ કરે. જો આ માંગ સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

આ પણ વાંચો: Surat: અડાજણમાં હાઈ-પ્રેશર પાઈપલાઈનમાં મોટું ભંગાણ, પાકો રસ્તો ચીરીને પાણીના ફુવારા ઉડ્યા

  • Follow us on: