સુરત મહાનગરપાલિકા દર વર્ષે ચોમાસા પહેલા પ્રિ-મોન્સૂન કામગીરીના નામે કરોડો રૂપિયાના ટેન્ડરો બહાર પાડે છે અને આખા શહેરમાં બધું બરાબર હોવાના મોટા-મોટા દાવાઓ કરે છે. પરંતુ આજે સુરતના પશ્ચિમ ઝોન હેઠળ આવતા પ્રખ્યાત અડાજણ વિસ્તારમાં બનેલી એક ઘટનાએ પાલિકા શાસકો અને એન્જિનિયરોની બેદરકારીની સરેઆમ પોલ ખોલી નાખી છે. અડાજણના મુખ્ય માર્ગ પરથી પસાર થતી પીવાના પાણીની મુખ્ય લાઈનમાં અચાનક મસમોટું ભંગાણ સર્જાયું હતું.
ભૂકંપ જેવો આંચકો અને રસ્તાના ટુકડા
પાઈપલાઈન ફાટવાનો આ નજારો એટલો ભયાનક હતો કે જાણે કોઈ નાનો ભૂકંપ આવ્યો હોય તેમ હાઈ-પ્રેશરના કારણે રોડ પર મોટા લાટીકા ટુકડા હવામાં ઉડ્યા હતા અને મજબૂત ડામરનો રોડ વચ્ચેથી ચીરાઈ ગયો હતો. રોડ તૂટતાંની સાથે જ અંદરથી લાખો લીટર શુદ્ધ પીવાનું પાણી પ્રચંડ ફુવારાની જેમ બહાર ફેંકાવા લાગ્યું હતું. ગણતરીની મિનિટોમાં જ અડાજણના પોશ સોસાયટીવાળા રોડ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા અને આખેઆખો હાઇવે જાણે નદીમાં ફેરવાઈ ગયો હતો. વાહનચાલકોના વાહનો પાણીમાં ફસાઈ જતાં પીક અવર્સ દરમિયાન કિલોમીટરો લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.










