રોજગારીની શોધમાં અન્ય રાજ્યોમાંથી ગુજરાત આવતા શ્રમિકો માટે આ વર્ષનો ઉનાળો કાળ સાબિત થઈ રહ્યો છે. કચ્છના સરહદી વાગડ પંથકના રાપર તાલુકામાંથી માનવતાને હચમચાવી મૂકે તેવા સમાચાર સામે આવ્યા છે. ઉત્તર પ્રદેશ (UP) નો વતની અને ગરીબ પરિવારનો આશાસ્પદ યુવક ત્રિવેણકુમાર થોડા દિવસો પહેલાં જ કચ્છના ઔદ્યોગિક વિસ્તારોમાં કોઈ કામ મળી રહે તેવા હેતુથી અહીં આવ્યો હતો. રાપરના ગ્રામીણ વિસ્તારોમાં નોકરી માટે ભટકતા ભટકતા તે ગઈકાલે બપોરે નંદાસર કેનાલ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો.


પાણી વિના આકરા તાપમાં શરીર સાથ છોડી ગયું

કચ્છમાં છેલ્લા કેટલાક દિવસોથી પારો ૪૨ થી ૪૪ ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યો છે, સાથે જ રણની સૂકી અને ગરમ હવા (લૂ) ફૂંકાઈ રહી છે. બપોરના સમયે અસહ્ય તાપ અને ઉકળાટના કારણે ત્રિવેણકુમારની તબિયત નંદાસર કેનાલ પાસે અચાનક લથડી હતી. હીટ સ્ટ્રોકના કારણે તેનું શરીર ડિહાઇડ્રેટ થઈ ગયું હતું અને તે કેનાલના કાચા રસ્તા પર જ બેભાન થઈને ઢળી પડ્યો હતો. નિર્જન રસ્તો હોવાના કારણે તેને સમયસર મેડિકલ સારવાર અથવા પાણી ન મળી શકતાં તેનું સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું.

વાયરલ વીડિયોએ હજારો નેટીઝન્સને રડાવ્યા

ત્રિવેણકુમારનું મોત થયું તે પહેલાં, જ્યારે તેનું શરીર ગરમીથી શેકાઈ રહ્યું હતું અને તેને અહેસાસ થઈ ગયો હતો કે હવે તેનો જીવ બચશે નહીં, ત્યારે તેણે અત્યંત લાચારીની સ્થિતિમાં પોતાના મોબાઈલ કેમેરાથી એક વીડિયો શૂટ કર્યો હતો. આ વીડિયોમાં તે ધ્રુજતા અવાજે ભગવાન અને ત્યાંથી પસાર થનારા લોકોને વિનંતી કરી રહ્યો છે કે, "મને ખૂબ જ ગરમી લાગી રહી છે, મારું શરીર કામ નથી કરી રહ્યું... પ્લીઝ મને છેલ્લીવાર મારા પરિવાર સાથે મેળવી દો, મારે મારા માતા-પિતાને જોવા છે." આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

આ પણ વાંચો: Rajkot: નવનિર્મિત 'સાંઢિયા પુલ'નું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે થયું લોકાર્પણ

  • Follow us on: