વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મંદિરના પરિસરને ભવ્ય અને સુવિધાસભર બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા 'સોમનાથ કોરિડોર' પ્રોજેક્ટની ગતિવિધિઓ તેજ બની છે. રવિવારે વહેલી સવારથી જ તંત્ર દ્વારા મંદિરની આસપાસના વિસ્તારોમાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાસ વાત એ છે કે, આ કામગીરી કોઈ પણ જાતના વિરોધ વગર અને અત્યંત શાંતિપૂર્ણ માહોલમાં થઈ રહી છે.
સ્વૈચ્છિક સહયોગ અને વળતર
સોમનાથ મંદિરના વિકાસ માટે 250થી વધુ સ્થાનિક મિલકત ધારકોએ રાષ્ટ્રહિત અને ધાર્મિક મહત્વને ધ્યાને રાખીને પોતાની મિલકતો સરકારને વેચાણ દસ્તાવેજ કરી સુપ્રત કરી દીધી છે. જે મિલકતો સ્વૈચ્છિક રીતે ખાલી કરવામાં આવી છે, તે મિલકતો પર આજે તંત્ર દ્વારા તોડી પાડવાની કામગીરી શરૂ કરાઈ છે.
પઠાણવાડા અને ભોંયવાડામાં ડિમોલિશન
તંત્ર દ્વારા મુખ્યત્વે પઠાણવાડા, ભોંયવાડા અને જૂના સોમનાથ મંદિર નજીકના વિસ્તારોમાં ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા (SP), ડેપ્યુટી કલેક્ટર અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર તૈનાત રહ્યો હતો. અધિકારીઓએ જાતે સ્થળ મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
આધુનિક કોરિડોરથી પર્યટનને વેગ મળશે
કાશી વિશ્વનાથ અને ઉજ્જૈનના મહાકાલ કોરિડોરની જેમ સોમનાથમાં પણ આધુનિક સુવિધાઓ અને ભવ્ય માર્ગો બનાવવાનું આયોજન છે. આ ડિમોલિશન બાદ મંદિરની આસપાસનો વિસ્તાર ખુલ્લો થશે, જેનાથી શ્રદ્ધાળુઓને દર્શનમાં સરળતા રહેશે અને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે. સ્થાનિક લોકોના સહકારને કારણે આ પ્રોજેક્ટ હવે ઝડપથી પૂર્ણ થાય તેવી શક્યતા છે.
આ પણ વાંચો: Bhavnagar: કાતિલ પુત્ર-પુત્રવધૂએ 5 લાખની સોપારી આપી કરાવી હતી માતા-પિતાની હત્યા, પોલીસે ઘટનાસ્થળે કરાવ્યું રિકન્સ્ટ્રક્શન