આજે મહાશિવરાત્રીના પવિત્ર પર્વે ગીર સોમનાથમાં આવેલું વિશ્વપ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ભક્તિના રંગે રંગાયું છે. વહેલી સવારથી જ મંદિરના દ્વાર ખુલતાની સાથે જ 'હર હર મહાદેવ' અને 'જય સોમનાથ'ના ગગનભેદી નાદ સાથે સમગ્ર પંથક ગુંજી ઉઠ્યો છે.
ભક્તોનું ઘોડાપૂર અને વિશેષ વ્યવસ્થા
ઐતિહાસિક સોમનાથ મંદિરે દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે. આ વર્ષે મહાશિવરાત્રીના પર્વ પર અંદાજે 5 લાખથી વધુ યાત્રિકો સોમનાથ દાદાના ચરણોમાં શીશ ઝુકાવવા આવે તેવી સંભાવના સેવાઈ રહી છે. ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શન માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.










