પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આયોજિત 'સોમનાથ સ્વાભિમાન પર્વ' અત્યારે ભક્તિ અને રાષ્ટ્રપ્રેમના અનોખા સંગમ સમાન બની રહ્યું છે. આ મહોત્સવના ભાગરૂપે ઋષિકુમારો દ્વારા 72 કલાકના અખંડ “ૐકાર જાપ”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ આધ્યાત્મિક કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. પ્રઘુમનભાઈ વાજા તેમજ કાયદો અને ઉર્જા રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયાએ વિશેષ ઉપસ્થિત રહી ભાવપૂર્વક સહભાગિતા નોંધાવી હતી. આ પ્રસંગે મંત્રીઓએ ભગવાન સોમનાથના પાવન દર્શન કરી રાજ્યના નાગરિકોની સુખાકારી, સમૃદ્ધિ અને દેશની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
સોમનાથ સ્વાભિમાન પર્વ
આ આધ્યાત્મિક મહોત્સવમાં મંત્રીઓ સાથે જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કારડીયાએ પણ અખંડ જાપમાં જોડાઈને શ્રદ્ધા પ્રગટ કરી હતી. ઉપરાંત રાજકોટના ધારાસભ્ય દર્શિતાબેન શાહ પણ મહાદેવના દર્શને પહોંચ્યા હતા. સોમનાથ સ્વાભિમાન પર્વ માત્ર એક ધાર્મિક આયોજન નથી, પરંતુ તે ભારતીય સંસ્કૃતિ અને રાષ્ટ્રીય સ્વાભિમાનની ભાવનાને વધુ મજબૂત બનાવવાનું પ્રતિક છે. મહોત્સવના આ પવિત્ર વાતાવરણમાં સતત ગુંજી રહેલા ૐકારના નાદથી સમગ્ર સોમનાથ પરિસર દિવ્ય ચેતનાથી ઝળહળી ઉઠ્યું છે.
