ગીર સોમનાથ જિલ્લાના તાલાલા માર્કેટિંગ યાર્ડમાં હાલ કેસર કેરીની સીઝન પૂરજોશમાં ચાલી રહી છે. ખેડૂતો મોટા પાયે પોતાની ઉચ્ચ ગુણવત્તાયુક્ત કેસર કેરી વેચવા માટે યાર્ડમાં આવી રહ્યા છે, જેના કારણે યાર્ડ કેરીના બોક્સથી ઉભરાઈ ગયું છે. પરંતુ, આ સોનેરી સીઝનની વચ્ચે એક મોટું વિઘ્ન સામે આવ્યું છે. સમગ્ર પંથકમાં સર્જાયેલી ડીઝલની અછતની સીધી અને વિપરીત અસર કેસર કેરીના ખરીદ-વેચાણ પર જોવા મળી રહી છે.
વેપારીઓએ ખરીદીથી અંતર જાળવ્યું
ડીઝલની અછત એટલી હદે વકરી છે કે કેરીની ખરીદી કરવા આવતા બહારના જીલ્લા અને રાજ્યોના વેપારીઓને માલની હેરફેર કરવા માટે સમયસર વાહનો (ટ્રક કે છોટા હાથી) મળી રહ્યા નથી. વાહનો ન મળવાના કારણે અથવા ઇંધણ ન મળવાના ડરથી ઘણા મોટા વેપારીઓએ તાલાલા યાર્ડમાં આવવાનું જ ટાળ્યું છે. માર્કેટમાં ખરીદદારો (વેપારીઓ) ની સંખ્યા ઓછી થવાના કારણે હરાજી પર માઠી અસર પડી છે. પરિણામે, કેસર કેરીના 10 કિલોના એક બોક્સના ભાવમાં સીધો ₹250 સુધીનો મોટો ઘટાડો નોંધાયો છે, જે ખેડૂતો માટે મોટું આર્થિક નુકસાન સાબિત થઈ રહ્યું છે.
