મોરબી સબ જેલમાં કાચા અને પાકા કામના કેદીઓ બહારની દુનિયા સાથે સંપર્કમાં હોવાની ગુપ્ત બાતમીના આધારે અમદાવાદ જેલ સ્ક્વોડની ટીમે મોરબી ખાતે ધામા નાખ્યા હતા. સ્ક્વોડની ટીમે સ્થાનિક જેલ સ્ટાફને સાથે રાખીને જેલની તમામ બેરેકોમાં અચાનક સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ કડક અને આકસ્મિક ચેકિંગના કારણે જેલના કેદીઓ અને સ્ટાફમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
શૌચાલયની કુંડીમાંથી મળ્યો ફોન
તપાસ દરમિયાન સ્ક્વોડના અધિકારીઓને શંકા જતાં તેમણે બેરેકની સાથે રહેણાંક શૌચાલય બ્લોકની પણ બારીકાઈથી તપાસ કરી હતી. આ દરમિયાન શૌચાલયની કુંડીની અંદર છુપાવીને રાખવામાં આવેલો એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. સ્ક્વોડની ટીમે તાત્કાલિક આ ફોનને પોતાના કબજામાં લઈ લીધો હતો. માનવામાં આવી રહ્યું છે કે, જેવી સ્ક્વોડની ટીમ જેલમાં પ્રવેશી, કે તરત જ પકડાઈ જવાના ડરથી કોઈ કેદીએ આ ફોન શૌચાલયની કુંડીમાં સરકાવી દીધો હતો.
